62 વિમાન અને 27 જહાજો સાથે ચીને Taiwanને ઘેર્યુ, આંતરિક તણાવ વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ

નવી દિલ્હી : ચીન(China) અને તાઈવાન(Taiwan)વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે શુક્રવાર અને શનિવારે ચીની સેનાએ તાઈવાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની નૌકાદળના 27 જહાજ અને 62 યુદ્ધ વિમાન તાઈવાન સરહદની નજીક આવી ગયા છે.
47 ચીની વિમાનો તાઈવાન જળ સીમા પાર કરી
ચીની એરક્રાફ્ટ તાઈવાનની જળ સીમાની મધ્યરેખાને પાર કરતા અને ચીન-તાઈવાન સરહદની નજીક જોવા મળ્યા હતા. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 47 ચીની વિમાનો તાઈવાન જળ સીમાની મધ્ય રેખાને પાર કરીને તાઈવાનના દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં પ્રવેશ્યા હતા.
આ બાબતને લઈને તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તાઈવાન જળ સીમા મધ્યમ રેખા ચીન અને તાઈવાન વચ્ચેની જળ સંધિની બિનસત્તાવાર મર્યાદા છે. આ સરહદ પાર કરીને તાઈવાને ચીન પર ઘુસણખોરીના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
ચીને તાઈવાનમાં 40 વખત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો
આ પૂર્વે પણ ચીને તાઈવાન જળ સીમાની મધ્ય રેખા પાર કરીને તાઈવાનની સરહદમાં પ્રવેશ કર્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીનના લશ્કરી વિમાનો અને નૌકાદળના જહાજોએ 40 વખત અને 27 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે.