‘અમે સંપૂર્ણ રીતે તૈયાર…’ ટ્રમ્પના 104% ટેરિફ સામે ચીન ભરી શકે છે આવા પગલા

બેઇજીંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદીને વેપાર જગતમાં ખળભળાટ મચાવી (US tariff on China) દીધો છે. આ ટેરીફને કારણે ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, આ સાથે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ તીવ્ર બનશે. ટ્રમ્પના નિર્ણયની અસર યુએસ પર પણ થઇ શકે છે, મંગળવારે યુએસ શેર માર્કેટ્સમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ચીન ટ્રમ્પના આ પગલાનો જવાબ આપવા તૈયાર છે, ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે (Li Qiang) સ્પષ્ટ કર્યું કે ચીન પાસે ઘણા નીતિગત વિકલ્પો છે, જે કોઈપણ બાહ્ય આર્થિક નિર્ણયને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી શકે છે.
વડાપ્રધાન લી કિયાંગે ટ્રમ્પના નિર્ણયને એકપક્ષીય અને સંરક્ષણવાદી ગણાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીન યુએસ કૃષિ ઉત્પાદનો પર ભારે ટેરિફ, હોલીવુડ ફિલ્મો પર પ્રતિબંધ અને અન્ય ટેકનોલોજી કંપનીઓ પર નિયંત્રણ લગાવવા જેવા પગલા ભરી શકે છે. લી કેકિયાંગે કહ્યું કે ચીન આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને દેશ કોઈપણ પ્રકારના નકારાત્મક બાહ્ય પ્રભાવોનો સામનો કરવા સક્ષમ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી વડાપ્રધાન લી કિયાંગ ચીનના નંબર 2 પદાધિકારીઓ છે.
આ પણ વાંચો: ચાઇનીઝ આયાતમાં દસ ટકાનો વધારો: ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાની ચાંપતી નજર…
મંગળવારે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની વાતચીતમાં, લી કિયાંગે કહ્યું કે ચીનની નીતિઓમાં 2025 ની તમામ વૈશ્વિક અનિશ્ચિતતાઓને પહેલાથી જ ધ્યાનમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું, “અમે દેશની આર્થિક વૃદ્ધિને મજબૂત અને ટકાઉ રાખવા અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ.”
આ વાતચીતના થોડા કલાકો પછી, અમેરિકાએ ચીન પર 104% અને યુરોપ પર 20% ટેરિફ લાદ્યા. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીન ટૂંક સમયમાં વાટાઘાટો કરવા તૈયાર થઇ જશે..”