Chang’e 6 mission: ચંદ્ર પરથી નમૂનાઓ એકઠા કરવા ચીને મિશન લોન્ચ કર્યું, સાથે પાકિસ્તાની ઉપગ્રહ લોન્ચ કર્યો

બીજિંગ: ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને સફળ બનાવી ભારતનું નામ ઈતિહાસમાં નોંધાવ્યું હતું. ત્યારે ચીન અવકાશમાં પણ પોતાની મહાસત્તા સાબિત કરવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે ચીને આજે શુક્રવારે ચંદ્રની દૂર બાજુથી નમૂનાઓ એકઠા કરવા ચાંગ’ઈ -6 મિશન લોન્ચ કર્યું છે. ચીનના હૈનાન પ્રોવિમાં વેનચાંગ સ્પેસ પ્રક્ષેપણ સ્થળ પરથી લોંગ માર્ચ-5 Y8 કેરિયર રોકેટે ઉડાન ભરી હતી. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA) અનુસાર, આ મિશન ચંદ્રની દૂર બાજુથી નમૂનાઓ મેળવવાનો પ્રથમ પ્રયાસ છે.
ચાઇનીઝ મિશન સાથે પાકિસ્તાનના મિનીએચર ઉપગ્રહ ICUBE-QAMAR ક્યુબસેટને લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ ટેક્નોલોજી (IST) દ્વારા શાંઘાઈ યુનિવર્સિટી SJTU અને SUPARCO સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે. આશરે 7 કિલો વજન ધરાવતા આ ઉપગ્રહમાં ચંદ્રની દૂરની બાજુનો ફોટો લેવા માટે કેમેરા છે.
ચાંગ’ઇ-6 મિશનનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન લેન્ડીંગ કરી ધૂળ અને ખડકોના નમૂનાઓ એકત્રિત કરવાનો છે, જે ચંદ્રની રચના અને લાક્ષણિકતા તપાસવા મદદ કરશે.
ચાઈનીઝ સાયન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ્સની સાથે આ મિશનમાં ફ્રાન્સ, ઈટાલી, યુરોપિયન સ્પેસ એજન્સી અને પાકિસ્તાનના પેલોડ્સ છે.
વર્ષ 2020 માં, ચીને ચંદ્રની નજીકની બાજુથી નમૂનાઓ પૃથ્વી પર પરત લાવવાના અવકાશ મિશનમાં સફળતા મેળવી હતી. 1970 ના દાયકામાં યુએસ એપોલો પ્રોગ્રામ પછી આવું પ્રથમવાર કરવામાં આવ્યું હતું.
ચાંગ’ઈ -6 ચંદ્રની દૂરની બાજુથી નમૂનાઓ એકત્રિત કરવા માટે મોકલવામાં આવ્યું છે, આ મિશન માનવ ઇતિહાસમાં આ પ્રકારનું પ્રથમ મિશન છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે.
ગત અઠવાડિયાએ, ત્રણ ચીની અવકાશયાત્રીઓએ ભ્રમણકક્ષામાં રહેલા અવકાશ સ્ટેશન પર છ મહિનાના મિશનને પૂર્ણ કર્યું હતું.