સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની સ્કૂલમાં વિસ્ફોટ: વિદ્યાર્થીઓ સહિત 29 લોકોનાં મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની સ્કૂલમાં વિસ્ફોટ: વિદ્યાર્થીઓ સહિત 29 લોકોનાં મોત

બાંગુઈ: આફ્રિકાના સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશના પાટનગર બાંગુઈની શાળામાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોના મોત થયા છે.

ટ્રાન્સફોર્મરમાં થયો મોટો વિસ્ફોટ

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ બાંગુઈની બાર્થેલેમી બોગાન્ડા હાઇ સ્કૂલના પરિસરમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી દરમિયાન ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને લઈને શાળામાં નાસભાગ થઈ હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભારે જાનહાનિ થઈ હતી.

વિદ્યાર્થીઓ સહિત 29 લોકોના મોત

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, નાસભાગના કારણે 16 વિદ્યાર્થિનીઓ સહિતના મોટાભાગના લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાકીના લોકોના હૉસ્પિટલની સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા અને મૃત્યુનો કુલ આંકડો 29 સુધી પહોંચ્યો હતો. આ સિવાય ઓછામાં ઓછા 260 લોકો ઈજાગ્રસ્તો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાના સમયે શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. શાળામાં અંદાજીત પાંચ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button