ઇસ્લામાબાદમાં કોર્ટની બહાર કારમાં વિસ્ફોટ! 9ના મોત, અનેક ઘાયલ

ઇસ્લામાબાદ: ગઈ કાલે સાંજે ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 9 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે, આ ઘટના પાછળ આતંકવાદી ષડયંત્ર હોવાનું સ્પષ્ટ થયું છે. એવામાં આજે મંગળવારે બપોરે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જીલ્લા અદાલતનોની ઈમારતની બહાર પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો, આ ઘટનામાં 9 લોકોના મોતની પુષ્ટિ થઇ છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ હજુ જાણી શકાયું નથી.
એક કારમાં થયેલા વિસ્ફોટને કારણે અદાલતમાં સુનાવણી માટે આવેલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અદાલતના પરિસરમાં પાર્ક કરેલા અન્ય વાહનોને ભારે નુકશાન પહોંચ્યું છે.
બોમ્બ બ્લાસ્ટ કે ગેસ સીલીન્ડર બ્લાસ્ટ?
અહેવાલ મુજબ અદાલતમાં ભીડના સમયે કોર્ટના મેઈન ગેટ પાસે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ આતંકવાદી જુથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ અધિકારીઓને શંકા છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અથવા તેની સાથે જોડાયેલા જૂથે આ વિસ્ફોટ કરાવ્યો હોઈ શકે છે.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ વાહનની અંદર ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હોઈ શકે છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે, ફોરેન્સિક ટીમની ઘટનાસ્થળ પર પહોંચી છે. વિસ્ફોટના કારણ અને તેની પાછળના પરિબળોની તપાસ કરવામાં આવી રહી છે.
Explosion outside Islamabad court. pic.twitter.com/8vT6gxvsda
— THE UNKNOWN MAN (@Theunk13) November 11, 2025
વિસ્ફોટ બાદ, અદાલતના પરિસર અને આસપાસના વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. પોલીસે શહેરજનોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો…દિલ્હીમાં આત્મઘાતી હુમલો: લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 9નાં મોત, જાણો શું છે આખો ઘટના ક્રમ



