કેનેડામાં ટ્રુડો પછી કોણ બનશે PM: ભારત મૂળનાં અનિતા આનંદ રેસમાંથી બહાર…
ઓટાવા: કેનેડામાં હાલ રાજકીય ઉથલપાથલનું વાતાવરણ છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ પીએમ પદ માટે ઘણા નામોની ચર્ચાઓ શરૂ થઈ હતી. આગામી સમયમાં કેનેડામાં સત્તાની દોર કોના હાથમાં જશે તે યાદીમાં ઘણાના નામની ચર્ચા ચાલી હતી, આ ચર્ચામાં ભારતીય મૂળનાં અનિતા આનંદનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ હવે તેમનું નામ આ રેસમાંથી બહાર થઈ ગયું છે.
આ પણ વાંચો : LA Fire: લોસ એંજલસમાં આગથી લાદવામાં આવ્યો કર્ફ્યૂ, NASAની સેટેલાઇટ તસવીર જોઈ હચમચી જશો
અનિતા આનંદે સોશિયલ મીડિયા પર આપ્યું નિવેદન
ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાના વડા પ્રધાન પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે એક નિવેદન પણ આપ્યું છે. અનિતા આનંદે શનિવારે બપોરે જણાવ્યું હતું કે તેઓ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. આગમી ચૂંટણીનો પ્રવાહ વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના નેતા પિયર માર્સેલ પોઇલીવ્રેની તરફેણમાં હોવાથી લિબરલ પાર્ટીના નેતૃત્વ અને વડા પ્રધાન પદ અંગેની પરિસ્થિતિ જટિલ બનતી જઈ રહી છે.
અન્ય નેતા પણ રેસમાંથી બહાર
દરમિયાન બે અન્ય દિગ્ગજ નેતા વિદેશ પ્રધાન મેલાની જોલી અને નાણાં પ્રધાન ડોમિનિક લેબ્લેન્કે પણ વડા પ્રધાન પદની રેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. ગયા અઠવાડિયે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો : Canada PM: ભારતીય મૂળના હિન્દુ નેતાએ કેનેડાના વડા પ્રધાન બનવા દાવેદારી નોંધાવી
કોણ છે અનિતા આનંદ?
કેનેડાનાં વડા પ્રધાનપદની રેસમાં જેમનું નામ ચર્ચાઇ રહ્યું હતું તે અનિતા આનંદ ટોરન્ટો યુનિવર્સિટીમાં કાયદા વિષયના પ્રોફેસર છે. રાજકારણમાં તેમનો પ્રવેશ વર્ષ 2019માં થયો, તેઓ ઓકવિલે ઓન્ટારિયોથી સાંસદ બન્યા હતા. આ પહેલા તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે સેવા આપતા હતા. અનિતા આનંદના પિતા એસ. વી. આનંદ, તમિલનાડુના સ્વાતંત્ર્ય સેનાની વી. એ. તે સુંદરમના પુત્ર છે. તેમની માતા સરોજ રામ પંજાબના હતા અને બંને ડોક્ટર હતા. તે બંને કેનેડા સ્થાયી થયા હતા.