
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા ભણવા જવાના ચલણમાં વધારો થયો છે, એવામાં કેનેડા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. કેનેડાની સરકાર બાહરના દેશમાંથી અભ્યાસ કરવા માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવાનું વિચારી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રાલયના પ્રધાન માર્ક મિલરે શનિવારે જણાવ્યું હતું કે કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટીને ધ્યાનમાં લેતા તેઓ આગામી કેટલાક મહિનામાં વિવિધ શક્યતાઓ પર વિચાર કરવામાં આવશે.
મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં કહ્યું કે”સંખ્યા ચિંતાજનક છે, સ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી ગઈ છે”
પ્રધાને વિવિધ કેનેડિયન પ્રાંતોમાં શૈક્ષણિક સંસ્થાઓ શું કરી રહી છે તેનું ધ્યાન રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે “અમારે ખાતરી કરવાની જરૂર છે કે અમારી પાસે એવી સિસ્ટમ છે જે ખરેખર ચકાસી શકે કે લોકો કેનેડા આવવા માટે નાણાકીય ક્ષમતા ધરાવે છે, અમે ઑફર લેટર્સની ચકાસણી કરી રહ્યા છીએ. હવે સમય છે કે સંખ્યા અને તેનાથી અમુક ક્ષેત્રોમાં થતી અસર વિશે વાતમાં આવે.”
ઉલ્લેખનીય છે કે, કેનેડા હાઉસિંગની અછતનો સામનો કરી રહ્યું છે. ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને આવકારવા બદલ લોકો ફેડરલ સરકારની ટીકા કરી રહ્યા છે. મિલરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાની અંગે સ્પષ્ટતા કરી નથી.
દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા જાય છે. કેનેડા સરકારના આંકડા અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડામાં 8 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 40 ટકા ભારતીયો હતા. જો કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકે છે, તો ત્યાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીયોને પણ અસર થઈ શકે છે.