કેનેડાએ ભારતને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હરોળમાં મૂક્યું: નવી ટ્રાવેલ એડવાઈઝરીથી છેડાયો વિવાદ

ઓટ્ટાવા/નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. 2023માં તત્કાલિન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના ગંભીર આરોપો મૂક્યા હતા બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, હવે નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ એક નવો નિર્ણય લઈને આ તણાવને વધારી દીધો છે.
માર્ક કાનીએ ભારત વિરોધી નિર્ણય લીધો
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીની ભારત મુલાકાત પૂર્વે જ કેનેડા સરકારે પોતાની ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરી છે. આ એડવાઇઝરીના લિસ્ટમાં ભારતને “હાઈ એલર્ટ”ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. કેનેડા સરકારની સત્તાવાર વેબસાઇટ પર જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યાનુસાર, ભારતમાં રાજકીય અસ્થિરતા, સુરક્ષા જોખમો અને મર્યાદિત કોન્સ્યુલર સહાય જેવા કારણો આગળ ધરીને તેને “હાઈ એલર્ટ” કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.
ભારતને પાકિસ્તાન, ઈરાન, યમન, સીરિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ સુદાન જેવા સંઘર્ષગ્રસ્ત દેશોની સમાન શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોની શ્રેણીમાં મૂકાતા ભારતીય રાજદ્વારી વર્તુળો અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કેનેડાએ ભારતની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો નથી, પરંતુ પ્રવાસ ટાળવા અથવા અત્યંત સાવચેતી રાખવા સૂચન કર્યું છે.
જો કેનેડા સંબંધો સુધારવા માંગતું હોત તો…
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પરમિન્દર દત્તના જણાવ્યા અનુસાર, કેનેડાએ આ યાદીમાં ભારતનો સમાવેશ કરવા માટે જે કઠોર ભાષાનો પ્રયોગ કર્યો છે તે દ્વિપક્ષીય સંબંધોને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જો કેનેડા સંબંધો સુધારવા માંગતું હોત, તો આ એડવાઈઝરીની ભાષા વધુ નરમ અને સંયમિત રાખી શકાઈ હોત.
ઉલ્લેખનીય છે કે, માર્ક કાર્નીની ભારતની મુલાકાત દ્વારા બંને દેશોના સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે કેનેડાનું આ નવું પગલું “ભાવનાત્મક છેડછાડ” સમાન પૂરવાર થઈ રહ્યું છે. જે બંને દેશો વચ્ચેના સંબંધોની ખાઈને પૂરાવા દેશે નહીં.
આ પણ વાંચો…કેનેડા ડ્રીમ પર પૂર્ણવિરામ? શા માટે લાખો ભારતીયો પર તોળાય રહ્યું છે ડિપોર્ટેશનનું સંકટ?



