નિજ્જરની હત્યા સિવાય કેનેડા આ બાબતે પણ ભારત સામે તાપસ કરી રહ્યું છે
નવી દિલ્હી: કેનેડામાં ખાલિસ્તાની ચળવળના આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ, કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau)એ આરોપ લગાવ્યો હતો કે આ હત્યા પાછળ ભારતના એજન્ટનો હાથ હોઈ શકે છે. ત્યાર બાદના ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબંધો ઈતિહાસના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા હતાં. એવામાં જાણવા મળ્યું છે કે કેનેડા ભારત સામે વધુ એક કેસમાં પણ તપાસ કરી રહ્યું છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના ડેપ્યુટી કમિશનર માર્ક ફ્લિને ગુરુવારે સંઘીય ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગે જાહેર તપાસ કરતી સંસ્થા સમક્ષ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “અમે અલગથી તપાસ કરી રહ્યા છીએ. જેમાં ભારત સરકાર સામે પણ તપાસ કરવામાં આવી છે.”
આ દરમિયાન ફ્લિને કહ્યું, “ભારત આઝાદ ખાલિસ્તાનના સમર્થનમાં ખાલિસ્તાની પ્રદર્શનને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો માને છે. જો કે, એ કેનેડામાં હિંસક ઉગ્રવાદની વ્યાખ્યા હેઠળ આવતું નથી. ભારતીય અધિકારીઓએ કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ અંગે ઘણી વખત તેમની ચિંતાઓ વ્યક્ત કરી છે. ભારતે અમને એવી માહિતી આપી છે જે ભારતમાં ગુનો માનવામાં આવશે, પરંતુ કેનેડામાં તે ગુનો નથી.”
નિજ્જર હત્યા કેસમાં ચાર ભારતીયોની ધરપકડ:
ગયા વર્ષે 18 જૂનના રોજ થયેલી નિજ્જરની હત્યાની તપાસ એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં નિવેદન આપ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે.
ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ વર્ષે કેનેડિયન પોલીસે હત્યાના સંદર્ભમાં ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. હજુ સુધી કોઈ ભારતીયને હત્યા સાથે જોડવાના કોઈ પુરાવા નથી પરંતુ કેનેડાના અધિકારીઓએ કહ્યું છે કે આ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.