કેનેડાના સંરક્ષણ મંત્રીએ ભારત સાથેના સંબંધોને ગણાવ્યા ‘મહત્વપૂર્ણ’
કહ્યું- ઈન્ડો-પેસિફિક રણનીતિને આગળ વધારશે

ટોરોન્ટોઃ ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે નવી દિલ્હી સાથેના તેમના દેશના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા ભારત સાથે ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે.
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્ટોની સંડોવણીનો આક્ષેપ કર્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો. રવિવારે પ્રસારિત એક મુલાકાતમાં બ્લેરે ભારત સાથેના સંબંધોને “મહત્વપૂર્ણ” ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેનેડા દ્વારા આરોપોની તપાસ દરમિયાન પણ ભારત સાથે ભાગીદારી ચાલુ રાખવામાં આવશે.
“અમે સમજીએ છીએ કે નિજ્જર કેસ ભારત સાથેના અમારા સંબંધોમાં એક પડકારજનક મુદ્દો હોઈ શકે છે,” પરંતુ તે જ સમયે, કાયદાને જાળવી રાખવાની, અમારા નાગરિકોનું રક્ષણ કરવાની અને અમે સંપૂર્ણ તપાસ કરીએ અને સત્ય સુધી પહોંચીએ તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે.
બ્લેરે કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સમાં બ્લેરે કહ્યું હતુ કે અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધો વણસેલા છે પરંતુ કાયદાનું રક્ષણ કરવું, નાગરિકોની સુરક્ષા કરવી એ અમારી જવાબદારી છે. આ સાથે એ પણ જરૂરી છે કે તપાસ પૂર્ણ થાય અને અમે સત્ય સુધી પહોંચી શકીએ. બ્લેરે વધુમાં કહ્યું હતું કે જો વડાપ્રધાન દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થશે તો તે કેનેડાની સાર્વભૌમત્વ પર ઊંડો ફટકો હશે. કેનેડા માટે ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના હજુ પણ મહત્વપૂર્ણ છે. આનાથી આ પ્રદેશમાં સૈન્યની હાજરી અને પ્રતિબદ્ધતાઓ વધી છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ એ માનવા માટે કારણ ધરાવે છે કે ભારત સરકારના એજન્ટોએ નિજ્જરની હત્યા કરી છે. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે.