ઇન્ટરનેશનલ

ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરીઃ એરપોર્ટ પરથી 400 કિલો સોનું ચોરનાર વધુ એક ગઠિયો ઝડપાયો

ટોરન્ટોઃ કેનેડાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી 20 મિલ્યન ડોલરના સોનાની ચોરીના મામલે તપાસ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ‘પ્રોજેક્ટ 24K’ તરીકે ઓળખાતા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીલ રિજનની પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2023માં જ્યારે આ ચોરી થઈ ત્યારે 400 કિલો સોનું ચોરાયાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે 43 વર્ષીય અરસલાન ચૌધરીને ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પર 5,000 ડોલરથી વધુની ચોરી, ગુનાહિત સંપત્તિ રાખવી અને ગંભીર કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. 17 એપ્રિલ 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચથી આવેલી ફ્લાઇટમાંથી ઉતારેલું સોનું ગણતરીના કલાકોમાં જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાંથી ચોરી કરાયું હતું, જેમાં અરસલાનની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

માસ્ટરમાઈન્ડનું ભારત કનેક્શન અને ફરાર આરોપીઓ

આ લૂંટમાં એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારીઓનું કનેક્શન પણ સામે આવ્યું છે. ૩૩ વર્ષીય સિમરન પ્રીત પનેસર, જે અગાઉ એરલાઈન્સમાં કામ કરતો હતો, તેણે સિસ્ટમમાં છેડછાડ કરીને સોનાના કન્સાઈનમેન્ટને ડાઇવર્ટ કરવામાં મદદ કરી હોવાનો આક્ષેપ છે.

પોલીસને શંકા છે કે પનેસર હાલમાં ભારતમાં છુપાયેલો છે. ગત વર્ષે તેને ચંદીગઢ પાસે ટ્રેસ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે વોરંટ જારી કરવામાં આવ્યું છે. અન્ય એક આરોપી આર્ચિત ગ્રોવર પણ મે 2024માં ભારતથી પરત ફરતી વખતે એરપોર્ટ પરથી જ ઝડપાયો હતો.

કેનેડા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 શખસની ઓળખ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પરમપાલ સિદ્ધુ, અમિત જલોટા, પ્રસાથ પરમલિંગમ અને અલી રઝા જેવા નામો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ ગેંગ અમુક સભ્યો શખસ સોનાની ચોરી જ નહીં, પરંતુ હથિયારોની હેરાફેરીમાં પણ સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી કિંગ મેકલીન હાલમાં અમેરિકાની જેલમાં હથિયારોની તસ્કરીના કેસમાં બંધ છે. પોલીસ હજુ પણ ગાયબ થયેલા સોના અને બાકીના આરોપીઓને શોધવા માટે અમેરિકા અને ભારતની એજન્સી સાથે સતત સંપર્કમાં છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button