California Wildfires: મહાસત્તા બની લાચાર, અબજો ડોલરનું નુકસાન, હજારો ઘર બળીને ખાખ
આગનું સ્વરૂપ વિકટ બનતા અમેરિકા સંકટમાં

Los Angeles Fires: અમેરિકાના લોસ એંજલસમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. લગભગ છ જંગલો આગની લપેટમાં આવી ગયા છે. આગના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ મોટી નુકસાની થઈ છે. આગથી 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃતકોની સંખ્યા પણ 10 પર પહોંચી છે.
આ આગ કેલિફોર્નિયાના ઇતિહાસની સૌથી ભયાનક આગ છે. જંગલમાં ફેલાયેલી આગ મંગળવારે સવારે સૌથી પહેલાં પેસિફિક પેલિસેડ્સથી શરૂ થઈ હતી. આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ લૉસ એંજલસમાં આવે છે. 10 એકરમાં ફેલાયેલી આગ કલાકોમાં જ 2900 એકરમાં પ્રસરી ગઈ હતી અને આકાશમાં ધૂમાડાના ગોટા છવાઈ ગયા હતા.
બે લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે ફાયરબ્રિગેડની ટીમ પાણીની અછતનો સામનો કરી રહી છ. આગને નિયંત્રણમાં લેવા માટે 7500થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેલિફોર્નિયામાં 1400થી વધારે ફાયર બ્રિગેડ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ઓરેગન, વોશિંગ્ટન, યુટા, ન્યૂ મેક્સિકો તથા એરિઝોનાથી પણ ટીમ મોકલવામાં આવી છે. બે લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો, વીડિયો જોઇને ઘટનાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો : L.A. Wildfiresમાં પાંચના મોત ઓસ્કારની તારીખો બદલવાની પડી ફરજ
ભારે પવનના કારણે આગ નથી આવી રહી કાબુમાં
અમેરિકાના જંગલમાં ફેલાયેલી આગથી સમગ્ર વિશ્વ અચંબિત છે. હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા આગ કાબુમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારે પવનના કારણે આગ કાબુમાં આવવાના બદલે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને વધુને વધુ વિસ્તારમાં ફેલાઇ રહી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમના હોમ સ્ટેટ કેલિફોર્નિયામાં લાગેલી આગના કારણે પોતાનો અંતિમ વિદેશ પ્રવાસ રદ્દ કર્યો છે. આ વાતની જાણકારી તેમની ઓફિસ દ્વારા આપવામાં આવી છે. હેરિસ 13 થી 17 જાન્યુઆરી સુધી સિંગાપુર, બહરીન અને જર્મનીના પ્રવાસે જવાના હતા.