મેક્સિકોમાં ટ્રક સાથે ટકરાયા બાદ ખીણમાં બસ ખાબકીઃ 24નાં મોત

મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ટ્રક સાથે અથડાયા બાદ મુસાફરોથી ભરેલી બસ સીધી ખીણમાં પડી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના જ્યારે બસ પશ્ચિમ મેક્સિકો સ્ટેટના નાયરિટના ટેપિકથી ઉત્તરી મેક્કિકોમાં સિઉદાદ જુઆરેઝ જતી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી જેના કારણે બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પોલ સાથે અથડાયા બાદ ખીણમાં પડી હતી. અકસ્માતનો ભોગ બનેલી બસ સિઉદાદ જુઆરેઝ જઈ રહી હતી. એટોર્ની જનરલ ઓફિસે જણાવ્યું હતું કે ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક ખીણમાં પડી ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં બચાવકર્મીઓ અને સૈન્ય કર્મીઓ સહિત સુરક્ષા દળો વિસ્તારને સુરક્ષિત કરી રહ્યા છે જ્યારે બચાવ ટીમો મૃતદેહોને બહાર કાઢવાનું કામ કરી રહી છે.
એટર્ની જનરલ ઓફિસે જણાવ્યું કે પોલીસ ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવા કાર્યવાહી કરી રહી છે. એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ખીણમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.