બલૂચિસ્તાનમાં દુબઈ બનાવવાનું ‘સપનું’! હવે પાકિસ્તાન માટે બન્યું માથાનો દુખાવો…

ઇસ્લામાબાદ: પાકિસ્તાન જેને પોતાનું દુબઈ બનાવવા માંગે છે તે ગ્વાદર આજકાલ પાકિસ્તાન સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં આવેલા ગ્વાદરને “પાકિસ્તાનનું દુબઈ” બનાવવાનું સ્વપ્ન જોયું હતું પરંતુ હવે આ પરિયોજના સ્થાનિક વિદ્રોહ અને સુરક્ષાનાં સંકટમાં ફસાઈ રહ્યું છે. હવે પાકિસ્તાન સરકારને સમજાતું નથી કે ગ્વાદરનું શું કરવું. તાજેતરની સ્થિતિને જોતાં ગ્વાદર પાકિસ્તાન માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે.
પાકિસ્તાનનું દુબઈનું સેવ્યું હતું સ્વપ્ન
પાકિસ્તાને બલુચિસ્તાનનાં ગ્વાદરને “પાકિસ્તાનનું દુબઈ” બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. ચીનની મદદથી આ ક્ષેત્રમાં એક મોટું એરપોર્ટ, ઊંડા પાણીનું બંદર અને આર્થિક ક્ષેત્ર વિકસાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આ પ્રોજેક્ટ હવે સ્થાનિક વિદ્રોહ અને સુરક્ષા સંકટમાં ફસાઈ રહ્યો છે. ગ્વાદરમાં ચીનની ઉપસ્થિતિને કારણે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સહિત અનેક અલગતાવાદી જૂથો દ્વારા વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બની રહ્યા છે. સ્થાનિક લોકોનો એવો પણ આરોપ છે કે ચીને ગ્વાદરને “સુરક્ષા ક્ષેત્ર”માં ફેરવી દીધું છે જ્યાં તેમની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
Also read : લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી
$62 બિલિયનનો પ્રોજેક્ટ
ચીને ગ્વાદરમાં માત્ર એક એરપોર્ટ જ નથી બનાવ્યું, પરંતુ એક ઊંડા પાણીનું બંદર પણ વિકસાવી રહ્યું છે. પાકિસ્તાને ગ્વાદરને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના મુગટમાં એક મણી તરીકે પ્રોત્સાહન આપ્યું છે. આ અંતર્ગત, ચીને આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાનને એરપોર્ટ, હાઇવે, રેલ્વે, બંદરો અને પાવર પ્લાન્ટ સહિત લગભગ $62 બિલિયનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર “મેગાપ્રોજેક્ટ્સ” બનાવવાનું વચન આપ્યું છે.
શું છે ચીનનો ઈરાદો?
ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પાછળ ચીનની મેલી મુરાદ દેખાઈ રહી છે. આ કોરિડોરથી ચીનને મધ્ય એશિયા અને આફ્રિકા તરફના વેપાર માર્ગો પર નિયંત્રણ મળશે. ગ્વાદર ચીન માટે લશ્કરી મથક તરીકે પણ ઉભરી શકે છે. ચીન આ ઊંડા પાણીના બંદરનો ઉપયોગ તેની નેવી માટે કરવા માંગે છે.
શા માટે સ્થાનિકોમાં વિરોધ?
ગ્વાદરના ઊંડા પાણીના બંદરની આસપાસના દરિયામાં સ્થાનિક લોકોને જ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવે આ બંદરથી થતી કમાણીનો 90% હિસ્સો ચીનને મળી રહ્યો છે. આ પ્રતિબંધ બાદ સ્થાનિક માછીમારોનું ગુજરાન ચલાવવું ઘણું અઘરું બની ગયું છે. તેનું કારણ છે કે હવે તેઓને દરિયા કિનારે જવાની મંજૂરી નથી અને માછીમારી કરતી વખતે સુરક્ષા દળો દ્વારા તેમની બોટ પર દરોડા પાડવામાં આવે છે. આથી સ્થાનિક લોકોમાં જ રોષ વ્યાપ્યો છે. તે ઉપરાંત ગ્વાદરમાં ગધેડા કતલખાનાનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં આફ્રિકાથી ગધેડા લાવવામાં આવશે અને ચીની દવા ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.