જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટને ભારતની માફી માંગવી જોઈએ; બ્રિટિશ સાંસદે ઉઠાવ્યો મુદ્દો

લંડન: 13 એપ્રિલ 1919નો દિવસ ભારતીયો ક્યારેય ભૂલી શકે એમ નથી. આ દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાંવાલા (Jallianwala Bagh massacre) અંગ્રેજોએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા ભારતીયો પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 500 જેટલા લોકોના મોત થયા હતાં, જોકે મૃત્યુઆંક 1500 હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. 106 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો મુદ્દો હાલ બ્રિટનની સંસદ(British Parliamnet)માં ચર્ચાઈ રહ્યો છે. સંસદમાં માંગ કરવામાં આવી છે કે બ્રિટને ભારતીયોની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો: ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું, અમેરિકન મુસ્લિમો વિરોધ નોંધાવ્યો…
સાંસદે કરી માંગ:
બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સંસદમાં આ માંગ કરી, તેમણે આ ઘટનાને બ્રિટનના ઇતિહાસમાં ‘કલંક’ તરીકે ગણાવી છે. સાંસદ બ્લેકમેને જલિયાંવાલા બાગ ઘટના અંગે હાઉસ ઓફ કોમન્સમાં ભાષણ આપ્યું. તેમણે કહ્યું, ’13 એપ્રિલ, 1919 ના રોજ, ઘણા લોકો શાંતિથી ભેગા થયા હતા. બ્રિટિશ સેના વતી, જનરલ ડાયરે તેના સૈનિકોને ગોળીઓ ખતમ ન થાય ત્યાં સુધી તે નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.’
તેમણે કહ્યું, ‘આ હત્યાકાંડના અંતે, 1500 લોકો માર્યા ગયા અને 1200 ઘાયલ થયા. શું આપણે સરકાર તરફથી નિવેદન જાહેર કરીને જે ખોટું થયું તે સ્વીકારી શકીએ અને ભારતના લોકો પાસે ઔપચારિક રીતે માફી માંગી શકીએ?’
અગાઉ 2019 માં, તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ આ હત્યાકાંડ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ ઘટનાને ‘બ્રિટનના ઇતિહાસ પર શરમજનક ડાઘ’ ગણાવ્યો હતો. જોકે, બ્રિટને હજુ સુધી ઔપચારિક માફી માંગી નથી.