બ્રિટનમાં ગેરકાયદે કામ કરનારાઓ સામેની કાર્યવાહીમાં ભારતીયોની ધરપકડ…

લંડનઃ બ્રિટિશ અધિકારીઓએ દેશભરમાં ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદે કામ કરનારા ટુ-વ્હીલર ડ્રાઇવર સામે એક અઠવાડિયા સુધી કડક કાર્યવાહી કરી હતી, જે અંતર્ગત અધિકારીઓએ ભારતીયો સહિત સેંકડો લોકોની ધરપકડ કરી હતી.
બ્રિટનના ગૃહ કાર્યાલયે આ અઠવાડિયે ખુલાસો કર્યો હતો કે તેની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોએ તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી ગતિવિધિ સઘન સપ્તાહની પ્રવૃતિના ભાગરૂપે ઓપરેશન ઇક્વલાઇઝ હાથ ધર્યું હતું. જેનો હેતુ ગેરકાયદે કામ કરતાં હોટસ્પોટને લક્ષ્ય બનાવવાનો હતો. જેમાં ડિલિવરી રાઇડર્સ તરીકે કામ કરતાં પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગૃહ કાર્યાલયે જણાવ્યું કે ૨૦થી ૨૭ જુલાઇ વચ્ચે કુલ ૧,૭૮૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેના પરિણામે ૨૮૦ પ્રવાસીઓ અને આશરો શોધનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ જરૂરી કાગળો વિના કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આવા જ એક દરોડા દરમિયાન અધિકારીઓએ પશ્ચિમ લંડનના હિલિંગ્ડનમાં સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. જેમાંથી પાંચની ગેરકાયદે કામ કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી.
આ ઓપરેશન ગયા મહિને ગૃહ કાર્યાલય દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ફૂડ ડિલિવરી વ્યવસાયમાં જે લોકો ઇમિગ્રેશન સિસ્ટમનો દૂરઉપયોગ કરતાં પકડાયા છે તેમની આશ્રય સહાય બંધ કરવામાં આવી શકે છે.
ઉપરાંત, જે લોકો ગેરકાયદે કામ કરતાં પકડાયા છે તેમને બ્રિટનમાંથી દેશનિકાલ કરવામાં આવી શકે છે. આ પગલું ગેરકાયદે પ્રવાસન સંબંધિત કાયદાને કડક બનાવવાના શ્રેણીબદ્ધ પગલાંના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ફ્રાન્સ, બ્રિટન બાદ આ દેશ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપશે, ઇઝરાયલના પેટમાં તેલ રેડાયું