Brazil Plane Crash : 62 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત

સાઓ પાઉલો : બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે 62 લોકોને લઈ જતું પ્લેન ક્રેશ(Brazil Plane Crash) થયું હતું. એરલાઇન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ પ્લેન સાઓ પાઉલોના ગુઆરુલોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. નિવેદન અનુસાર, પ્લેનમાં 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે જાણી શકાયું નથી.
વિમાન અચાનક હવામાં ફરવા લાગે છે
પ્લેન ક્રેશના કેટલાક વિઝ્યુઅલ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાં દુર્ઘટનાની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિમાન અચાનક હવામાં ફરવા લાગે છે. આ પછી તે સંપૂર્ણપણે કાબૂ બહાર જાય છે અને ઝડપથી જમીન તરફ પડવા લાગે છે. જેના કારણે પ્લેન જ્યાં પડ્યું છે ત્યાં અરાજકતા સર્જાય છે. ત્યાર પછીના વિઝ્યુઅલ્સમાં એવું જોવા મળે છે કે પ્લેન નીચે પડે છે અને પછી ઝડપથી ધુમાડો નીકળવા લાગે છે. અન્ય વીડિયોમાં જ્વાળાઓ દેખાઈ રહી છે. મુસાફરોનો સામાન અહીં-ત્યાં વિખરાયેલો છે અને કેટલાક લોકોના મૃતદેહ સળગતા જોવા મળે છે.
એક મિનિટમાં પ્લેન 17000 ફૂટ નીચે આવી ગયું અને ક્રેશ થયું
મળતી માહિતી મુજબ જે પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે ATR 72-500 ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ પ્લેન હતું. પ્લેન માત્ર એક મિનિટમાં 17000 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું હતું. કહેવાય છે કે દુર્ઘટનાની લગભગ દોઢ મિનિટમાં જ વિમાને નિયંત્રણ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. સ્થાનિક સમય અનુસાર બપોરે 1:21 વાગ્યે તે 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું. આગામી દસ સેકન્ડમાં તે 250 ફૂટ નીચે ઉતરી ગયું હતું. આ પછી, આગામી આઠ સેકન્ડમાં તે ફરીથી 400 ફૂટ ઉપર ગયું. આઠ સેકન્ડ બાદ પ્લેન ફરીથી 2000 ફૂટ નીચે ઉતરી ગયું. આ પછી, પછીની એક મિનિટમાં પ્લેન 17000 ફૂટ નીચે આવી ગયું અને ક્રેશ થયું.
કાટમાળના પગલે એક વિશાળ વિસ્તાર બળી રહ્યો છે
રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વાએ દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે એવું લાગે છે કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મૃત્યુ પામ્યા છે. ફાયર ડિપાર્ટમેન્ટ, મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીએ વિન્હેડોમાં અકસ્માત સ્થળ પર ટીમો મોકલી છે. બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબો ન્યૂઝે ઘરોથી ભરેલા રહેણાંક વિસ્તારમાં પ્લેનના કાટમાળના પગલે એક વિશાળ વિસ્તાર બળી રહ્યો છે અને ધુમાડો નીકળતો હોવાના ફૂટેજ દર્શાવ્યા છે.