બ્રાઝિલમાં ભારે વરસાદના કારણે તબાહીઃ 56 લોકોના મોત

બ્રાઝિલિયાઃ બ્રાઝિલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા હતા. હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં સરકારે જણાવ્યું હતું કે વરસાદના કારણે ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
દેશની સિવિલ ડિફેન્સ એજન્સીએ કહ્યું કે રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યમાં પાણીના સ્તરમાં વધારો ડેમ પર દબાણ લાવી રહ્યું છે અને પોર્ટો એલેગ્રે શહેર માટે જોખમ ઊભું કરી રહ્યું છે.
ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. મળતા અહેવાલ અનુસાર ગવર્નરે ભયંકર વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં દુઃખ વ્યક્ત કર્યું હતું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે અમે ઇતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ.
રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને સંપૂર્ણ મદદ કરવાનું વચન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે હવામાન પરિસ્થિતિઓને કારણે થતી તકલીફોને દૂર કરવા માટે માનવીય અથવા ભૌતિક સંસાધનોની કોઈ અછત રહેશે નહીં.
વરસાદને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે. રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચવાની ધારણા છે, જે હાલના સંકટને વધુ વધારશે. અવિરત વરસાદથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.