ઇન્ટરનેશનલ

ઓસ્ટ્રેલિયામાં માર્યો ગયેલો આતંકવાદી ભારતીય: સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો, યુરોપીયન યુવતીને પરણ્યો….

સિડની: ગત રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર યહૂદી ધર્મના હનુક્કાહ તહેવારની ઉજવણી માટે એકઠા થયેલા લોકો પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. પોલિસ કાર્યવાહીમાં એક હુમલાખોર ઠાર થયો હતો, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. એવામાં ખુલાસો થયો છે કે માર્યો ગયેલો હુમલાખોર ભારતનો નાગરિક હતો અને મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો. તેલંગાણા પોલીસ તેની પૃષ્ઠભુમી અંગે માહિતી આપી છે.

બોન્ડાઈ બીચ પર હુમલા બાદ શરૂઆતમાં એવા અહેવાલ વહેતા થયા હતાં કે બંને હુમલાખોરો પિતા અને પુત્ર પાકિસ્તાન મૂળના હતાં, પરંતુ તપાસ બાદ ન્યુ સાઉથ વેલ્સ(NSW) પોલીસે જણાવ્યું કે પોલીસના ગોળીબારમાં માર્યો ગયેલો 50 વર્ષીય સાજિદ મૂળ અકરમ ભારતના હૈદરબાદનો રહેવાસી હતો. તેની પાસેથી ભારતીય પાસપોર્ટ મળી આવ્યો છે.

પરિવાર સાથે સંપર્ક કાપી નાખ્યા:
NSW પોલીસે આપેલી માહિતીને આધારે તેલંગાણા પોલીસે તપાસ શરુ કરી હતી. ગઈ કાલે મંગળવારે પોલીસે જણાવ્યું કે સાજિદ અકરમ ત્રણ દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો, તેના પિતાના મૃત્યુ પછી તે ફરી ભારત ક્યારેય ભારત આવ્યો ન હતો, વિવાદને કારણે તે હૈદરાબાદમાં રહેતા તેના પરિવાર સાથે સંપર્કમાં ન હતો.

ડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો:
હુમલાખોર સાજિદ અકરમના બેકગ્રાઉન્ડ અંગે વધુ માહિતી આપતા તેલંગાણા પોલીસે જણાવ્યું કે સાજિદે હૈદરાબાદમાં બી.કોમનો અભ્યાસ પૂરો કર્યો હતો, ત્યાર બાદ નવેમ્બર 1998 માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. તેની પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ છે.

માત્ર છ વાર ભારત આવ્યો:
ઓસ્ટ્રેલિયા ગયા બાદ તે પ્રોપર્ટી સંબંધિત બાબતો અને તેમના ઘરડા માતાપિતાને મળવા માત્ર છ વાર ભારત આવ્યો હતો. સાજીદ છેલ્લે 2022 માં હૈદરાબાદ આવ્યો હતો. પોલીસે એમ પણ જણાવ્યું કે પિતાનું મૃત્યુ થયું એ સમયે પણ તે ભારત આવ્યો ન હતો.

યુરોપિયન મહિલા સાથે લગ્ન:
તેલંગાણા પોલીસે એમ પણ જણાવ્યું કે સાજિદે ઓસ્ટ્રેલિયામાં વેનેરા ગ્રોસો નામની યુરોપિયન મૂળની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક દીકરો અને દીકરી છે, બંને જન્મને આધારે ઓસ્ટ્રેલિયન નાગરિકતા મળી છે.

ગતિવિધિઓથી પરિવાર અજાણ:
સાજિદ અને તેમના નવીદને કટ્ટરપંથી વિચારધારા તરફ દોરી જનારા પરિબળોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. તેલંગાણા પોલીસે જણાવ્યું કે ભારતમાં રહેતા સાજીદના પરિવારજનોને તેની ધામિક કટ્ટરપંથી માનસિકતા અને આતંકવાદી જોડાણ અંગે જોઈ જાણ ન હતી.

એક ઈન્ટરવ્યું દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની આલ્બનીઝે પુષ્ટિ કરી છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ્સ(IS)ની વિચારધારાથી પ્રેરિત હતો. NSW પોલીસને હુમલાખોરોની કારમાંથી ISના ઝંડા મળી આવ્યા હતાં.

ફિલિપાઇન્સમાં મળી હતી ટ્રેનીંગ?
બોન્ડાઈ બીચ પર હુમલો કર્યો એ પહેલા સાજીદ અને નવિદ ફિલિપાઇન્સની મુલાકાતે ગયા હતાં, ફિલિપાઇન્સના ઇમિગ્રેશન બ્યુરોએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે સાજિદ અકરમ પાસે ભારતીય પાસપોર્ટ હતો અને નવીદ અકરમે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. બંને 1 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર આવેલા દાવોઓ શહેરમાં રહ્યા હતાં.

ફિલિપાઇન્સના આ પ્રદેશમાં અગાઉ અબુ સયાફ જેવા ઇસ્લામિક કટ્ટરપંથી જૂથો કાર્યરત હતાં અને કટલાક વિદેશી આતંકવાદીઓને અહીં ટ્રેનીંગ આપવામાં આવી હતી. જો કે ફિલિપાઇન્સે પુષ્ટિ કરી નથી કે સાજીદ અને નવીદને અહીં ટ્રેનીંગ આપવામાં આવી હતી કે નહીં.

આપણ વાંચો:  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ 18 મુસાફરોનું અપહરણ કર્યું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button