અફઘાન વિદેશ પ્રધાનના ભારત પ્રવાસ વચ્ચે કાબુલમાં બોમ્બ ધડાકા, 'પાક. એરસ્ટ્રાઈકની' આશંકાથી તણાવ વધ્યો | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

અફઘાન વિદેશ પ્રધાનના ભારત પ્રવાસ વચ્ચે કાબુલમાં બોમ્બ ધડાકા, ‘પાક. એરસ્ટ્રાઈકની’ આશંકાથી તણાવ વધ્યો

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ગુરુવારે મોડી રાત્રે એક પછી એક થયેલા તીવ્ર ધમાકાઓથી હચમચી ઉઠ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી સંબંધો મજબૂત કરવાના હેતુથી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે.

પાકિસ્તાની એરસ્ટ્રાઈકનો સંકેત?

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ ૮ અને અબ્દુલહક ચોકની આસપાસના વિસ્તારોમાં સંભળાયા હતા, જ્યાં સરકારી કાર્યાલયો અને રહેણાંક વિસ્તારો આવેલા છે. શરૂઆતની રિપોર્ટ્સમાં આ ધમાકાઓને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનું સ્વરૂપ માનવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ પક્ષે તેની જવાબદારી લીધી નથી.

અફઘાન મીડિયા સૂત્રો મુજબ, આ હુમલા એક વિશેષ કમ્પાઉન્ડને નિશાન બનાવવા માટે ક`રવામાં આવ્યા હતા, જ્યાં કથિત રીતે પ્રતિબંધિત સંગઠન ટીટીપી (TTP) ના નેતા નૂર વલી મહસૂદ છુપાયેલા હોવાની આશંકા હતી. મહસૂદ પાકિસ્તાની નાગરિક હતો અને તેના પર પાકિસ્તાનમાં ઘણા આતંકી હુમલાનો આરોપ છે. સ્થાનિક રહેવાસીઓએ આકાશમાં વિમાનોનો અવાજ અને ધમાકા બાદ ગોળીબાર પણ સાંભળ્યો હોવાનું જણાવ્યું હતું.

તાલિબાનની સત્તાવાર પ્રતિક્રિયા

અફઘાન-તાલિબાનના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, “કાબુલ શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનનો કોઈ અહેવાલ મળ્યો નથી.” જોકે, ટીઆરટી વર્લ્ડ (TRT World) અનુસાર, મુત્તકીના ભારત પ્રવાસ વચ્ચે થયેલા આ ધમાકાઓ માત્ર એક સંયોગ નથી.

એક દિવસ પહેલા પાકિસ્તાનની ખુલ્લી ધમકી

કાબુલમાં હુમલાના માત્ર એક દિવસ પહેલા, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાની સંસદને સંબોધિત કરતા અફઘાનિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “બસ, હવે બહુ થયું, અમારું ધૈર્ય જવાબ આપી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની ધરતી પરથી થતો આતંકવાદ હવે અસહ્ય છે.” આસિફે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાન સરકારે પાકિસ્તાનમાંથી આવેલા ૬,૦૦૦ થી ૭,૦૦૦ ટીટીપી આતંકવાદીઓને સરહદ પરથી હટાવવા માટે ઈસ્લામાબાદ પાસેથી નાણાકીય સહાયની માંગણી કરી હતી, જેનો ઈન્કાર કરી દેવાયો હતો.

આ પણ વાંચો…અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન ભારત પહોંચ્યા: પણ ધ્વજ બાબતે અધિકારીઓ મુંઝવણમાં

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button