The Body Shop થઇ ગઇ નાદાર, અમેરિકામાં કારોબાર કર્યો બંધ, કેનેડામાં પણ બંધ થવાની તૈયારીમાં

યુકે સ્થિત કોસ્મેટિક્સ કંપની The Body Shop એ તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં નાદારી નોંધાવી છે. 1976માં સ્થપાયેલી કંપનીએ તમામ યુએસ ઓપરેશન્સ અને કેનેડામાં ડઝનબંધ સ્ટોર્સ બંધ કરી દીધા છે. કંપનીએ કેનેડામાં તેના 105માંથી 33 સ્ટોર પર તાત્કાલિક અસરથી લિક્વિડેશન વેચાણ શરૂ કરવાની યોજના જાહેર કરી છે.
કંપનીએ જણાવ્યું હતું કે કેનેડાના ઈ-કોમર્સ સ્ટોર પર ઓનલાઈન વેચાણ બંધ કરવામાં આવશે. યુકે સ્થિત પ્રખ્યાત કોસ્મેટિક્સ કંપની તેના કુદરતી, ટકાઉ અને ક્રૂરતા-મુક્ત ઉત્પાદનો માટે જાણીતી છે. 80થી વધુ દેશોમાં 2,500 થી વધુ રિટેલ સ્થાનો હોવા છતાં, The Body Shopને તાજેતરના વર્ષોમાં પડકારોનો સામનો કરવો પડ્યો છે અને બજારમાં સ્પર્ધા કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે, જેના કારણે તેણે નાદારી નોંધાવી છે.
એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી મોંઘવારીએ ઘણાને અસર કરી છે. આનાથી પરંપરાગત રિટેલરોને મોટો ફટકો પડ્યો છે, ખાસ કરીને The Body Shop જેવા રિટેલર્સ જેમનો વ્યવસાય મુખ્યત્વે મોલ્સ પર આધારિત હતો અને તેમના મોટાભાગના ગ્રાહકો મધ્યમ વર્ગના હતા. બોડી શોપની સ્થાપના 1976માં માનવાધિકાર કાર્યકર્તા અને પર્યાવરણવાદી અનિતા રોડિક દ્વારા કરવામાં આવી હતી. બ્રાન્ડે તેની નૈતિક પ્રથાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઝડપથી ઓળખ મેળવી, જેમાં તેના ઉત્પાદનો માટે પ્રાણી પરીક્ષણ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
The Body Shop ઉત્પાદનોના પ્રાણી પરીક્ષણ પર પ્રતિબંધ મૂકનારી પ્રથમ કંપનીઓમાંની એક હતી. આ કંપનીની માલિકી ઘણી વખત બદલાઇ છે. તેને વર્ષ 2006માં અગ્રણી કોસ્મેટિક્સ કંપની લોરિયલે 100 કરોડ ડોલરથી વધુમાં ખરીદી હતી. પછી 2017 માં, તેને બ્રાઝિલની કંપની નેચુરાએ 100 મિલિયન ડોલરથી વધુમાં ખરીદી હતી. એક અહેવાલ મુજબ, ગયા વર્ષના અંતિમ મહિનામાં, તેને એસેટ મેનેજમેન્ટ ગ્રુપ ઓરેલિયસે $266 મિલિયનમાં ખરીદી હતી.