અમેરિકાઃ સેન ડિયાગોમાં દરિયા કાંઠે બોટ પલટી, ભારતીય માતા-પિતા સારવાર હેઠળ; બાળકો ગુમ

કેલિફોર્નિયાઃ અમેરિકાના સેન ડિયાગોના દરિયા કાંઠે મોટી દુર્ઘટના બની હતી. બોટ પલટી જવાથી ત્રણ લોકોના મૃત્યુ, ચાર ઘાયલ થયા હતા. નવ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા નવ લોકોમાં બે ભારતીય બાળકો હોવાનું પણ કહેવાય છે. ગુમ બાળકોના માતા-પિતા હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે અકસ્માત સમયે બોટમાં સવાર લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના સ્થળ સાન ડિએગો શહેરના મધ્ય ભાગથી લગભગ 24 કિલોમીટર ઉત્તરમાં છે. હેલિકોપ્ટર, પેટ્રોલ બોટ અને અન્ય બચાવ એજન્સીઓ શોધ કામગીરીમાં રોકાયેલા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અધિકારીઓનું કહેવા મુજબ, ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે અને અકસ્માતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. દરિયા કિનારા પર કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક જાણ કરવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે વિદેશ મંત્રાલયે એક્સ પર પણ પોસ્ટ કરી છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પોસ્ટ કરીને લખ્યું. આજે સવારે કેલિફોર્નિયાના સાન ડિએગોના દરિયાકાંઠે ટોરી પાઈન્સ સ્ટેટ બીચ નજીક એક બોટ પલટી જવાની ઘટના જાણીને અમને ખૂબ જ દુઃખ થયું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ લોકો ગુમ થયા છે. ગુમ થનારામાં બે ભારતીય બાળકો પણ છે. તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.
કોસ્ટગાર્ડના પ્રવક્તાના કહેવા મુજબ, ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ બોટ ક્યાંથી આવતી હતી અને ક્યાં જવાની હતી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. દુર્ઘટનાગ્રસ્ત બોટનો મોટાભાગે માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી તસ્કરો દ્વારા આ બોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…ટ્રમ્પનો ટેરિફ ટેરર હવે ફિલ્મો પરઃ અમેરિકા બહાર બનતી ફિલ્મો પર સો ટકા ટેરિફ…