બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મુદ્દે BNP નેતાનું વિવાદાસ્પદ નિવેદન: નિર્મમ હત્યાઓને ગણાવી ‘સામાન્ય ઘટના’

ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અરાજકતાનો માહોલ છે, જેમાં લઘુમતી હિંદુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. એક પછી એક હિંદુઓની નિર્મમ હત્યાઓથી સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હેઠળ કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાય છે.
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના રાજકીય નેતાઓના સંવેદનહીન નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે ત્યાં વસતા હિંદુઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામે હિંદુઓની હત્યાઓને લઈને અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ લોહિયાળ ઘટનાઓને ‘નાની અને મામૂલી’ ગણાવીને ફગાવી દીધી છે.
આપણ વાચો: શું છે આ NDF ફેન્સિંગ? જેનાથી હવે બાંગ્લાદેશ સરહદે હવે પરિંદું પણ પર મારી શકશે નહીં!
ફખરુલના મતે, આ બધું મીડિયા દ્વારા ઊભુ કરવામાં આવ્યું છે. તેમણે દલીલ કરી હતી કે માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ મુસ્લિમો પણ સુરક્ષિત નથી અને તેમની સાથે પણ હિંસા તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. આ રીતે તેમણે હિંદુઓ પરના ટાર્ગેટેડ હુમલાઓને સામાન્ય અકસ્માત જેવું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે.
મિર્ઝા ફખરુલે પોતાના નિવેદનમાં ભારતની વિદેશ નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતે માત્ર અવામી લીગ પર નિર્ભર રહેવાને બદલે બાંગ્લાદેશના અન્ય રાજકીય પક્ષો સાથે પણ સંપર્ક સાધવો જોઈએ.
આપણ વાચો: બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની હથિયારના ઘા ઝીંકીને હત્યા, 24 કલાકમાં બીજો બનાવ
ફખરુલે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા આપવામાં આવેલા સંદેશને મહત્વનો ગણાવતા કહ્યું કે, અસલી મુદ્દો ક્રિકેટ કે છૂટીછવાઈ ઘટનાઓ નથી, પરંતુ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને બદલાતી રાજકીય પરિસ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે 40 વર્ષીય કરિયાણાના વેપારી સારથ મણિ ચક્રવર્તી પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેમણે ફેસબુક પર બાંગ્લાદેશને ‘મોતની ખીણ’ ગણાવ્યું હતું.
આ સિવાય સોમવારે રાણા પ્રતાપ બૈરાગી નામના અન્ય એક હિંદુની પણ હત્યા કરવામાં આવી હતી. છેલ્લા 18 દિવસમાં જ 6 હિંદુ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જે દર્શાવે છે કે ત્યાં સ્થિતિ કેટલી ગંભીર છે.



