Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો

ઇસ્લામાબાદ: પ્રતિબંધિત સંગઠન બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA)ના આતંકવાદીઓએ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express Tain High jacking) કરી હતી, ટ્રેનમાં 400થી વધુ મુસાફરો સવાર હતાં.
અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ અત્યાર સુધીમાં 150 થી વધુ બંધકોને છોડાવ્યા છે, જયારે હજુ પણ 200થી વધુ લોકો BLAના કબજા હેઠળ છે. આ દરમિયાન, BLA એ એક વીડિયો જાહેર કર્યો છે અને આ સમગ્ર ટ્રેન હુમલાનો ઘટનાક્રમ જણાવ્યો છે.
BLA દ્વારા શેર કરવામાં આવેલા એક વિડિઓમાં જોવા મળે છે કે જાફર એક્સપ્રેસ સામાન્ય રીતે ટ્રેક પર આગળ વધી રહી છે એવામાં અચાનક ટ્રેનના એન્જીન પાસે વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ પછી ટ્રેન અટકી જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે BLA લડવૈયાઓ ટેકરીઓ પર બેસીને હુમલો કરવાની રાહ જોઈ રહ્યા છે.
આપણ વાંચો: હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો
વીડિયોમાં દેખાય છે કે ટ્રેનના મુસાફરોને બંધક બનાવીને બહાર કાઢવામાં આવે છે. આતંકવાદીઓ બંદુકની અણીએ બંધકોને ટેકરીઓની વચ્ચે બેસાડે છે.
મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન:
અહેવાલો મુજબ કે પાકિસ્તાની સેનાના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે, સેનાના ઓપરેશનને કારણે આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. BLA આતંકવાદીઓએ મશ્કાફ ટનલમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી. આ ટનલ ક્વેટાથી 157 કિલોમીટર દૂર છે. આ ટનલ જે વિસ્તારમાં આવેલી છે તે અત્યંત ખડકાળ ડુંગરાળ વિસ્તાર છે, જેનું નજીકનું સ્ટેશન પહાડો કુનરી છે.
હાઈજેક કરાયેલી ટ્રેન હાલમાં બોલાન પાસ પર ઉભી છે. આ આખો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો છે, જેના કારણે અહીં મોબાઇલ નેટવર્ક નથી. બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે આ બધા પડકારો છતાં, સેનાનું મનોબળ અકબંધ છે.