પાક. સેનાની મુશ્કેલી વધશે: BLA એ બનાવી અત્યાધુનિક એર અને ડ્રોન યુનિટ

પાકિસ્તાનના સૌથી અશાંત પ્રાંત ગણાતા બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધી અહીં પરંપરાગત ગેરીલા યુદ્ધ જોવા મળતું હતું, પરંતુ હવે અલગતાવાદી સંગઠનોએ આધુનિક ટેકનોલોજીનો સહારો લેવાનું શરૂ કર્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હવે પાકિસ્તાની સેના સામે લડવા માટે હાઈ-ટેક રસ્તો અપનાવ્યો છે, જે આવનારા સમયમાં સુરક્ષા દળો માટે મોટો પડકાર બની શકે છે.
તાજેતરમાં BLA દ્વારા તેમની પ્રથમ આધુનિક એર અને ડ્રોન વોરફેર યુનિટ “કાઝી એરો હાઈવ રેન્જર્સ” (QAHR) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ યુનિટ ખાસ કરીને એડવાન્સ ટેકનોલોજી, ડ્રોન ઓપરેશન અને હવાઈ દેખરેખ (Surveillance) પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટની બ્લુ પ્રિન્ટ વરિષ્ઠ કમાન્ડર અબ્દુલ બાસિત દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે, જેમણે સંગઠનમાં ટેકનિકલ રિસર્ચ અને આધુનિક રણનીતિને પ્રોત્સાહન આપ્યું હતું.
સંગઠનનો દાવો છે કે તેમણે ગ્વાદરમાં હાથ ધરેલા “ઓપરેશન હેરોફ 2.0” દરમિયાન પ્રથમ વખત આ ડ્રોન યુનિટનો ઉપયોગ કર્યો હતો. આ ઓપરેશનમાં ડ્રોન દ્વારા સૈન્ય મથકો, બંદરની સુવિધાઓ અને સંચાર માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા આ નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ BLA એ આ હુમલાના પુરાવા તરીકે વીડિયો પણ જાહેર કર્યા છે.
પોતાની ક્ષમતા સાબિત કરવા માટે BLA એ બે મિનિટનો એક વીડિયો અને કેટલીક તસવીરો જાહેર કરી છે. આ વીડિયોમાં પહાડી વિસ્તારોમાં હથિયારધારી સભ્યો ડ્રોનનું પરીક્ષણ કરતા જોઈ શકાય છે. આ ઉપરાંત, ગ્વાદર શહેરની ઉપર ડ્રોન ઉડતું હોય તેવા દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે. આ ફૂટેજ દ્વારા સંગઠન એવો સંદેશ આપવા માંગે છે કે હવે તેઓ માત્ર જમીન પર જ નહીં, પણ આકાશમાંથી પણ હુમલો કરવા સક્ષમ છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો BLA ના આ દાવા સાચા હોય, તો તે આ વિસ્તારમાં આતંકવાદી વ્યૂહરચનામાં મોટા બદલાવના સંકેત છે. ડ્રોન આધારિત હુમલાઓને રોકવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમની જરૂર પડે છે, જે પાકિસ્તાની સેના માટે આ દુર્ગમ પહાડી વિસ્તારોમાં મુશ્કેલ સાબિત થઈ શકે છે. પરંપરાગત યુદ્ધની સરખામણીએ ડ્રોન હુમલાઓ વધુ સચોટ અને જીવલેણ હોવાથી પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ પોતાની રણનીતિ ફરીથી વિચારવી પડશે.



