‘નદીમાં લોહી વહેવા’ની ધમકી આપનાર બિલાવલ ભુટ્ટોને ભાન થયું! ભારત સાથે શાંતિની વાત કરી

નવી દિલ્હી: 23 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે તુરંત કાર્યવાહી કરતા સિંધુ જળ સંધિ રદ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી(Bilawal Bhutto-Zardari)એ ભારતને ધમકી આપી હતી કે કાં તો સિંધુ નદીમાં પાણી વહેશે અથવા તેમનું (ભારતના લોકોનું) લોહી વહેશે. હવે જ્યારે ભારત દ્વારા પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે બિલાવલ ભુટ્ટોને ભાન આવ્યું છે. બિલાવલે મંગળવારે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ માટે તૈયાર છે.
મંગળવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન દરમિયાન, તેમણે કહ્યું, “જો ભારત શાંતિના માર્ગે ચાલવા માંગે છે, તો તેને ખુલ્લા હાથે આવવું જોઈએ, મુઠ્ઠીઓ બંધ કરીને નહીં. ભારતે તથ્યો સાથે આવવું જોઈએ, જુઠ્ઠાણાં સાથે નહીં. ચાલો આપણે પડોશીઓની જેમ બેસીને સાચું બોલીએ.”
અહેવાલ મુજબ, બિલાવલે કહ્યું, “જો ભારત એવું નહીં કરે તો તેમણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાનના લોકોને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનના લોકોમાં લડવાનો નિર્ધાર છે, એટલા માટે નહીં કે અમને સંઘર્ષ ગમે છે, પરંતુ એટલા માટે કે અમને સ્વતંત્રતા વ્હાલી છે.”
‘પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત છે..’
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત છે. વિદેશમાંથી મળતા સમર્થન સાથે આતંકવાદીઓ પાકિસ્તાનમાં સતત લોહી વહેવડાવી રહ્યા છે. પાકિસ્તાને આતંકવાદી હુમલાઓમાં પોતાના સૈનિકો અને શાળાના બાળકોને માર્યા જતા જોયા છે. અમારાથી વધુ આતંક કોઈએ સહન કર્યો નથી.
આ રીતે આતંકવાદને હરાવી શકાય નહીં!
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આતંકવાદ સામે ફક્ત હથિયારોથી લડી શકાય નહીં. આ જોખમ સામે વિચારો, શિક્ષણ, આર્થિક સુધારા અને એકતા મારફતે લડવું જોઈએ. ભારત તરફ ઈશારો કરતા બિલાવલે કહ્યું કે અન્ય દેશોને બદનામ કરીને આતંકવાદને હરાવી શકાય નહીં, પરંતુ આતંકવાદને પેદા કરતી સમસ્યાઓને દૂર કરીને હરાવી શકાય છે.
આ પણ વાંચો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો વિસ્ફોટ; 6 સૈનિકોના મોત, 5 ઘાયલ
નિષ્પક્ષ તપાસ થવી જોઈએ:
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના વખાણ કરતા તેમણે કહ્યું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની ઓફર કરીને સારી શરૂઆત કરી છે. ભારતે આગળ આવીને આ ઓફર સ્વીકારવી જોઈએ જેથી બંને દેશોના સહયોગથી ગુનેગારોને પકડી શકાય અને તેની કાર્યવાહી કરી શકાય.