‘બિગ બ્યૂટિફુલ બિલ’ વિવાદ વકર્યો, ટ્રમ્પે સબસિડી રોકવા સાથે ધંધો બંધ કરવાની મસ્કને આપી ધમકી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચે ‘બિગ બ્યૂટિફુલ બિલ’ને લઈને વિવાદ સર્જાયો છે. મસ્કે આ બિલની ટીકા કરતા સાંસદોને ચૂંટણીમાં હારની ધમકી આપી, જ્યારે ટ્રમ્પે મસ્કની કંપનીઓની સબસિડી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. આ વિવાદે અમેરિકન રાજકારણ અને ઉદ્યોગ જગતમાં ચર્ચા જગાવી છે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને મસ્ક પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે મસ્ક જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે મને આપ્યું હતું, એ પહેલા જ તેમણે મારી ઈલેક્ટ્રિક વાહનની વિરુદ્ધ જનાદેશની નીતિની જાણ હતી. આ ઉપરાંત ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું કે, “સબસિડી વિના મસ્કે પોતાનો ધંધો બંધ કરી દક્ષિણ આફ્રિકા પાછા જવું પડશે.” તેમણે ઈલેક્ટ્રિક વાહનોને ઠીક ગણાવ્યા, પરંતુ દરેક પર તેનો ઉપયોગ થોપવાનો વિરોધ કર્યો.
મસ્કનો વિરોધ
એલન મસ્કે સોશિયલ મીડિયા પર ‘બિગ બ્યૂટિફુલ બિલ’ની આકરી ટીકા કરી અને તેને સરકારી ખર્ચમાં વધારો અને દેશના દેવામાં ઉછાળો લાવનાર ગણાવ્યું. તેમણે ધમકી આપી કે આ બિલને સમર્થન આપનાર સાંસદો 2026ની પ્રાઈમરી ચૂંટણીમાં હારશે. મસ્કે એમ પણ જણાવ્યું કે જો બિલ પાસ થશે તો તેઓ નવી રાજકીય પાર્ટી શરૂ કરશે, જે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી સિવાયનો વિકલ્પ આપશે.
આ બિલનો હેતુ સરકારી ખર્ચ અને નીતિઓને લગતો છે, પરંતુ તેની વિગતો વિવાદનું કેન્દ્ર બની છે. મસ્કનો વિરોધ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો અને ટેસ્લાને મળતી સબસિડી સાથે જોડાયેલો છે. ટ્રમ્પની ધમકીએ મસ્કની કંપનીઓ, જેમ કે ટેસ્લા અને સ્પેસએક્સ, પર આર્થિક અસરની શક્યતા ઉભી કરી છે. આ વિવાદ ટેકનોલોજી અને રાજકારણના જોડાણને ઉજાગર કરે છે, જે આગળ જતાં વધુ ચર્ચાસ્પદ બની શકે છે.
આ પણ વાંચો…ઈરાનના મૌલવીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો, અલ્લાહના દુશ્મન ગણાવ્યા