નેતન્યાહૂએ ગાઝા પર હુમલાનો આદેશ; ગાઝામાં 30 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત…

તેલ અવિવ: યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, ત્યાર બાદ હમાસે ઇઝરાયલના તમામ બંધકોને મુક્ત કર્યા હતાં. ત્યાર બાદથી ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીઝ(IDF) સતત યુદ્ધવિરામ કરારનું ઉલંઘન કરી રહી છે, જેમાં સંખ્યાબંધ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, એવામાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ IDFને ગાઝા પર ‘પૂરી તાકાતથી હુમલો’ કરવા આદેશ આપ્યો છે, ઇઝરાયલે ગાઝામાં ફરી નરસંહાર શરુ કર્યો છે.
ઇઝરાયલે ગઈ કાલે ગાઝાના અનેક વિસ્તારોમાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, 30થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત થતા છે. ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા મુજબ ઇઝરાયલે ત્રણથી વધુ જગ્યાએ હુમલા કર્યા હતાં. એજન્સીના વાહન પર મિસાઈલ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતાં. ગાઝાની અલ-શિફા હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલના પરિસરના પાછળના ભાગમાં હુમલો થયો હતો.
ઇઝરાયલના હુમલાની નિંદા કરતા યુનાઇટેડ નેશન્સના અધિકારી નવી પિલ્લેએ જણાવ્યું હતું કે ઇઝરાયલી અધિકારીઓએ ગાઝા પર કાયમી લશ્કરી નિયંત્રણ સ્થાપિત કરવા ઇરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ઇઝરાયલના હમાસ પર આરોપ:
નોંધનીય છે કે ગઈ કાલે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે આરોપ લગાવ્યો હતો કે હમાસે ગાઝામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો હતો, આ હુમલો ક્યાં અને ક્યારે થયો એ અંગે તેમણે કોઈ જાણકારી આપી ન હતી. હમાસે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ હુમલો કર્યો નથી. આમ છતાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ IDFને ગાઝા પર હુમલા કરવાનો આદેશ આપ્યો હતો.
ઇઝરાયલને યુએસને સમર્થન:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સમર્થન આપ્યું છે, તેમણે કહ્યું, ‘જો હમાસના વર્તનમાં ફરક નહીં પડે, તો તેમને સમાપ્ત કરવામાં આવશે.’
ટ્રમ્પે એમ પણ કહ્યું કે કે ગાઝામાં યુદ્ધવિરામ લાગુ રહેશે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે પણ કહ્યું કે નાના ઘર્ષણો થશે પણ યુદ્ધ વિરામ લાગુ રહેશે.

હમાસ મૃતદેહો સોંપવા તૈયાર હતું:
યુદ્ધવિરામ કરારમાં ઇઝરાયલની શરત મુજબ મંગળવારે હમાસે મૃત્યુ પામેલા બંધકોના મૃતદેહ સોંપવાની જાહેરાત પણ કરી હતી. ઇઝરાયલના હુમલા બાદ હમાસે કહ્યું કે આ હુમલાને કારણે મૃતદેહો શોધવા અને સોંપવાના અવરોધ ઊભો થશે.



