Bangladesh માં હિંદુઓએ મોરચો માંડયો, ન્યાય અને વળતરની કરી માંગ
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો ખાસ કરીને હિંદુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી હતી. જ્યારે હિંદુ સમુદાયે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે બાંગ્લાદેશના રસ્તાઓ પર અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું હતું.
શાહબાગ ચાર રસ્તાને જામ કરીને દેખાવો કર્યા
ઢાકા, ચટગાંવ, બરીસલ, તાંગેલ અને કુરિગ્રામ જેવા મોટા શહેરોમાં હજારો દેખાવકારોએ પ્રદર્શન કર્યું અને કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને રહેવાનો અધિકાર છે. બાંગ્લાદેશના સત્તા પરિવર્તન બાદ દેશના વિવિધ ભાગોમાં હિંદુઓના ઘરો, દુકાનો અને મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં તેઓએ શનિવારે સતત બીજા દિવસે ઢાકામાં શાહબાગ ચાર રસ્તાને જામ કરીને દેખાવો કર્યા હતા.
હુમલાઓ સામે વળતરની માંગ કરી
આ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશી હિન્દુઓને બચાવો, અમને ન્યાય અને સુરક્ષા જોઈએ છે અને હિંદુઓને બચાવો અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો જેવા નારા લગાવવામાં આવ્યા હતા.શાહબાગમાં વિરોધ કરી રહેલા હિન્દુ અલ્પસંખ્યકોએ હિન્દુઓ અને તેમના ઘરો, મંદિરો અને વ્યવસાયો પરના હુમલાઓ સામે વળતરની માંગ કરી છે.
હુમલાની 205 ઘટનાઓનો સામનો કરવો પડ્યો
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદ, બાંગ્લાદેશમાં બે હિન્દુ સંગઠનો અનુસાર બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના સભ્યોએ 5 ઓગસ્ટે શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ 52 જિલ્લામાં હુમલાની 205 ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. હજારો બાંગ્લાદેશી હિંદુઓ હિંસાથી બચવા માટે પાડોશી દેશ ભારતમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકામાં પણ હિંદુઓ પર થયેલા હુમલાઓના વિરોધમાં પ્રદર્શન
જ્યારે અમેરિકામાં પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાઓને લઇને અવાજ ઉઠવા લાગ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. ભારતીય મૂળના બે અગ્રણી અમેરિકન ધારાશાસ્ત્રીઓએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પરના હુમલાઓને રોકવા માટે અમેરિકાના હસ્તક્ષેપની માંગ કરી છે.