ઇન્ટરનેશનલ

ઉસ્માન હાદીની હત્યા મુદ્દે યુનુસ સરકારને મળી ગંભીર ચેતવણી, શેખ હસીના જેવા હાલ થશે…

ઢાકાઃ દેશમાં નવો વિવાદ છેડાયો છે. આ હત્યા બાદ ફરી એકવાર રસ્તાઓ પર હિંસા ફાટી નીકળી છે અને વચગાળાની સરકારની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આગામી સામાન્ય ચૂંટણીઓ પર પડનારા સંકટ તરીકે જોઈ રહ્યા છે.

શરીફ ઉસ્માન હાદીના ભાઈ ઉમર હાદીએ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમના ભાઈની હત્યા સત્તામાં બેઠેલા કેટલાક લોકોએ જ કરાવી છે, જેથી આગામી સામાન્ય ચૂંટણીઓને અટકાવી શકાય. ઉમર હાદીના મતે શરીફ ઉસ્માન હાદી 12 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવાર હતા અને તેમની વધતી લોકપ્રિયતાથી ડરીને આ કાવતરું ઘડવામાં આવ્યું છે. ઢાકામાં મસ્જિદ બહાર ગોળી માર્યા બાદ સિંગાપોરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ઢાકાના શાહબાગમાં આયોજિત ‘શહીદી શપથ’ કાર્યક્રમ દરમિયાન ઉમર હાદીએ નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો હત્યારાઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વર્તમાન સરકારનું હશ્ર પણ શેખ હસીના જેવું જ થશે અને તેમને પણ દેશ છોડીને ભાગવાની નોબત આવશે. ઉમરનો આરોપ છે કે સરકાર તપાસમાં કોઈ નક્કર પ્રગતિ કરી શકી નથી, જે શંકા પ્રેરે છે.

શરીફ ઉસ્માન હાદી તેમના ભારત વિરોધી નિવેદનો અને કોઈ પણ વિદેશી તાકાત સામે ન ઝૂકવાની જીદ માટે જાણીતા હતા. તેમના ભાઈનો દાવો છે કે હાદીએ કોઈ પણ એજન્સી કે વિદેશી આકાઓની શરતો સ્વીકારી નહોતી, જેના કારણે તેમને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યા છે. હાદીના મોતના સમાચાર મળતા જ બાંગ્લાદેશમાં ભારે તોડફોડ અને આગચંપી શરૂ થઈ ગઈ હતી. દેખાવકારોએ મીડિયા હાઉસ અને સરકારી ઈમારતોને નિશાન બનાવી છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા સામે પડકારો ઊભા થયા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button