Dipu Lynching: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરનારો માસ્ટરમાઈન્ડ પકડાયો

ઢાંકા: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા વચ્ચે પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ગાર્મેન્ટ કર્મચારી દીપુ દાસની નિર્મમ હત્યાના મુખ્ય આરોપી યાસીન અરાફાતને પોલીસે દબોચી લીધો છે. કથિત ઈશનિંદાના નામે ભીડને ઉશ્કેરીને દીપુ દાસને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું અરાફાતે જ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાએ માત્ર બાંગ્લાદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં માનવાધિકાર અને લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્માવી છે.
ધરપકડ કરાયેલ યાસીન અરાફાત વ્યવસાયે પૂર્વ શિક્ષક છે અને સ્થાનિક મસ્જિદમાં અભ્યાસ કરાવતો હતો. પોલીસ તપાસ મુજબ અરાફાતે પોતાની સામાજિક ઓળખનો દુરુપયોગ કરી કટ્ટરપંથીઓની મોટી ભીડ એકઠી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અરાફાતે માત્ર ઉશ્કેરણીજનક ભાષણો જ નહોતા આપ્યા, પરંતુ તે પોતે દીપુ દાસને ઘસડીને ચોક સુધી લાવ્યો હતો, જ્યાં તેને ઝાડ સાથે લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો, પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આ કમકમાટીભરી ઘટના 18 ડિસેમ્બરે મૈમનસિંગ જિલ્લામાં બની હતી. 27 વર્ષીય દીપુ દાસ એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપ છે કે ફેક્ટરીના સુપરવાઈઝરોએ પહેલા દીપુને ધમકાવીને રાજીનામું આપવા મજબૂર કર્યો અને ત્યાર બાદ તેને સુરક્ષા આપવાને બદલે ફેક્ટરીની બહાર ઉભેલી હિંસક ભીડને હવાલે કરી દીધો હતો. હિંસક ટોળાએ દીપુને ક્રૂરતાથી માર માર્યો અને ત્યારબાદ તેને ફાંસીએ લટકાવી સળગાવી દીધો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દીપુ દાસની હત્યા એ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની એક કડી છે. તાજેતરના દિવસોમાં જ વધુ સાત હિન્દુ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. રાજબારીમાં અમૃત મંડળની ટોળા દ્વારા હત્યા, શરીયતપુરમાં વેપારી ખોકન ચંદ્ર દાસને જીવતા સળગાવવા અને જશોરમાં અખબારના તંત્રી રાણા પ્રતાપની ગોળી મારી હત્યા જેવી ઘટનાઓએ ભયનો માહોલ પેદા કર્યો છે. લઘુમતી સમુદાયના લોકો હવે પોતાના જ દેશમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે.



