ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશની હિંસાએ બે કલાકારનો ભોગ લીધો, બંગાળી ફિલ્મો સાથે પણ હતો નાતો

ઢાંકાઃ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ફાટી નીકળેલી હિંસા શમવાનું નામ લેતી નથી. એક નેતાની હોટલમાં આગ ચાંપી 24 જણને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ વધુ એક હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે.

બાંગ્લાદેશી ફિલ્મ પ્રોડ્યુસર સલીમ ખાન અને તેમના પુત્ર શાંતો ખાનની હત્યા કરવામાં આવી છે. નિર્માતા હોવા ઉપરાંત, સલીમ ખાન બાંગ્લાદેશના ચાંદપુર ઉપજિલ્લામાં લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના અધ્યક્ષ પણ હતા. તેઓ બંગાળી ફિલ્મજગત સાથે પણ જોડાયેલા હતા.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સલીમ અને શાંતો તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ બલિયા યુનિયન, ફરક્કાબાદ માર્કેટમાં ગુસ્સે ભરેલું ટોળું તેમની સામે આવી ગયું.

તેમણે પોતાને બચાવવા માટે તેની પિસ્તોલમાંથી ગોળીઓ પણ ચલાવી હતી, પરંતુ ફરીથી નજીકના બગરા માર્કેટમાં ટોળાનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સલીમ અને તેના પુત્ર શાંતોને ત્યાં ગુસ્સે ભરાયેલા ટોળાએ માર માર્યો હતો.

એક અહેવાલ અનુસાર, ટોલીવુડમાં સલીમની લગભગ 10 ફિલ્મો નિર્માણના અલગ-અલગ તબક્કામાં હતી અને તેમાં ટોલીવુડના મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા હતા. ટોલીવુડ સાથે જોડાયેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અરિંદમે સોમવારે જ સલીમ સાથે વાત કરી હતી. સલીમે બાંગ્લાદેશી ફિલ્મ તુંગીપારર મિયા ભાઈનું નિર્દેશન કર્યું હતું, જે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના જીવન પરથી પ્રેરિત હતી.

સલીમ પર ઘણા વર્ષોથી ચાંદપુર નેવી બાઉન્ડ્રી પાસે પદ્મા-મેઘના નદીમાંથી રેતીના ગેરકાયદે ખોદકામમાં સામેલ હોવાનો આરોપ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ગેરકાયદે ધંધામાંથી ઘણી કમાણી કરી હતી. જોકે, આ કામ માટે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને તેની સામે એન્ટી કરપ્શન કમિશન (ACC)માં કેસ પણ ચાલી રહ્યો છે.

ચાંદપુર સદર મોડલ પોલીસના ઓફિસર-ઈન્ચાર્જ મોહમ્મદ શેખ મોહસીન આલમે કહ્યું કે અમને બંનેના મોતની જાણ થઈ, પરંતુ કોઈએ અમને જાણ કરી નથી. અમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ત્યાં ગયા ન હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button