બાંગ્લાદેશ ચૂંટણી: મતદાનના 72 કલાક પહેલાં પટુઆખાલીમાં BNP અને જમાત વચ્ચે ભીષણ હિંસા

ઢાંકા: બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ લોકશાહીના પર્વ પર હિંસાનું ગ્રહણ લાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મતદાનના ગણતરીના કલાકો બાકી છે ત્યારે પટુઆખાલી વિસ્તારમાં થયેલી લોહીયાળ અથડામણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં જ રાજકીય પક્ષો વચ્ચેની દુશ્મનાવટ સપાટી પર આવી ગઈ છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.
પટુઆખાલીના ભંડારિયા બજારમાં સોમવારની મધરાતે બીએનપી (BNP) અને જમાત-એ-ઇસ્લામીના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. હિંસા એટલી ભીષણ હતી કે પથ્થરમારો અને લાકડીઓ વડે થયેલા હુમલામાં મહિલાઓ સહિત 40થી વધુ લોકો લોહીલુહાણ થયા હતા. આ અથડામણની શરૂઆત ત્યારે થઈ જ્યારે BNP કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે જમાત-એ-ઇસ્લામીના કાર્યક્રમમાં મતદારોને રિઝવવા માટે રોકડ રકમ વહેંચવામાં આવી રહી છે. આ વિરોધ જોતજોતામાં હિંસક ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો.
ચૂંટણી આચારસંહિતાના ભંગના આરોપોએ આ હિંસામાં ઘી હોમવાનું કામ કર્યું છે. BNPના સમર્થકો જ્યારે જમાતના કાર્યક્રમમાં કથિત રીતે વહેંચાતા પૈસાનો વિરોધ કરવા પહોંચ્યા, ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જમાત-એ-ઇસ્લામીએ પણ વળતો પ્રહાર કરતા પોતાના કાર્યકર્તાઓને એકઠા કરી લીધા હતા, પરિણામે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને BNP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચેનો સીધો ‘બાયપોલર’ જંગ માની રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં નાની-મોટી અનેક ઘટનાઓ બની છે, પરંતુ આ અથડામણને અત્યાર સુધીનો સૌથી મોટો હિંસક ટકરાવ માનવામાં આવે છે. 10 ફેબ્રુઆરીની સવારે સાડા સાત વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, તે પહેલાં ફાટી નીકળેલી આ હિંસાએ સામાન્ય મતદારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
ચૂંટણી પંચે પટુઆખાલી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરી દીધી છે. અધિકારીઓ માટે હવે સૌથી મોટો પડકાર 12 ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરાવવાનો છે. બંને મુખ્ય પક્ષો વચ્ચેની હરીફાઈ હવે રાજકીય લડાઈ મટીને વ્યક્તિગત દુશ્મનાવટ અને હિંસામાં ફેરવાઈ ગઈ છે, જે બાંગ્લાદેશના લોકશાહી માળખા માટે ચિંતાનો વિષય છે.



