બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની કાલે શપથવિધિ

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હવે નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર ગુરુવારના રોજ શપથ લેશે. સેના પ્રમુખ જનરલ વકાર-ઉજ-જમાએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. સેના પ્રમુખે કહ્યું હતું કે વચગાળાની સરકારની શપથવિધિ ગુરુવારે રાતે આઠ વાગ્યે યોજાઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યોનો સમાવેશ થઈ શકે છે.
રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે અર્થશાસ્ત્રી યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આના એક દિવસ પહેલા જ વડાપ્રધાન શેખ હસીનાએ નોકરીઓમાં અનામત સંબંધિત વિવાદને લઈને હિંસક વિરોધને પગલે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવેલા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસે દેશમાં દરેકને શાંતિ જાળવવા અને તમામ પ્રકારની હિંસાથી દૂર રહેવાની અપીલ કરી હતી. 84 વર્ષીય યુનુસે કહ્યું, “આપણે આ નવી જીતનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીએ. આપણી કોઈ ભૂલને કારણે આ જીતને વ્યર્થ ન જવા દો.”
આ પણ વાંચો : Dont Worry! ગુજરાતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સુરક્ષીત પણ હાલ કેમ્પસ ન છોડવા સૂચના
વ્યવસાયે અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ ચાર્જ સંભાળવા માટે પેરિસથી સ્વદેશ પરત ફરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે “હું વર્તમાન પરિસ્થિતિમાં સૌને શાંતિ રાખવા અને બધા પ્રકારની હિંસા અને નુકસાનથી બચવા માટે અપીલ કરું છું.” બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ બુધવારે સતત બીજા દિવસે પણ સ્વયંસેવકો તરીકે સેવા આપીને દેશમાં સામાન્ય પરિસ્થિતિના નિર્માણમાં મહત્વનું પ્રદાન આપ્યું હતું. સોમવારે શેખ હસીનાના રાજીનામાં બાદ બાંગ્લાદેશમાં ભારે હિંસા અને અરાજકતાની સ્થિતિ છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અથવા વ્યવસ્થાપન જાળવવા માટે પોલીસકર્મીઓ ઉપલબ્ધ નથી. દેશમાં ચાલી રહેલી કટોકટીની પરિસ્થિતિને લઈને અધિક પોલીસ મહાનિરીક્ષક (AIG) A.K.M. શાહિદુર રહેમાનને બાંગ્લાદેશ પોલીસના ટોચના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્થાનીક મીડિયાના અહેવાલો અનુસાર બાંગ્લાદેશ સ્કાઉટ્સના સભ્યો સહિત વિદ્યાર્થીઓ અનેક સ્થળોએ વ્યવસ્થાપન કરવામાં જોવા મળ્યો હતો. સ્થાનીક અખબારે અહેવાલ આપ્યો છે કે મંગળવારે દેશભરમાં પોલીસ સ્ટેશનો અને અન્ય કેન્દ્રો પરના હુમલામાં પોલીસકર્મીઓની જાનહાનિના અહેવાલો છે