ઇન્ટરનેશનલ

બલૂચિસ્તાન રક્તરંજિત: પાકિસ્તાની સેનાની કાર્યવાહીમાં 200 લોકોએ ગુમાવ્યો જીવ

પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત અત્યારે દારૂગોળાની ગંધ અને લોહીથી લથપથ છે. શનિવારે બલૂચ બળવાખોરોએ આખા પ્રાંતમાં ભારે આતંક મચાવ્યા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ આક્રમક વળતી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 40 કલાકથી ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સંઘર્ષે પાકિસ્તાન સરકાર અને સેનાની ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે આ આંકડો આતંક વિરુદ્ધના ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો માનવામાં આવે છે.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીએ પુષ્ટિ કરી છે કે શુક્રવાર અને શનિવાર દરમિયાન કરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશનમાં મોટા પાયે ખુવારી થઈ છે. માર્યા ગયેલા 200 લોકોમાં 31 સામાન્ય નાગરિકો, 17 સુરક્ષાકર્મીઓ અને બલૂચ લિબરેશન આર્મી (BLA) ના 145 લડવૈયાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, BLA એ ક્વેટા, ગ્વાદર અને મસ્તુગ જેવા મહત્વના જિલ્લાઓમાં એકસાથે હુમલા કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની સેના, પોલીસ અને એન્ટી ટેરરિઝમ યુનિટે મોરચો સંભાળ્યો છે.

હંમેશની જેમ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાકિસ્તાને આ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કોઈ પણ પુરાવા વગર દાવો કર્યો હતો કે હુમલાખોરોને ભારતનું સમર્થન છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા દાવા કરે છે. પાકિસ્તાને આરોપો લગાવવાને બદલે પોતાના લોકોના માનવાધિકાર ઉલ્લંઘન અને દમન પર ધ્યાન આપવું જોઈએ.

બીજી તરફ, બલૂચ લિબરેશન આર્મીએ ‘ઓપરેશન હેરૉફ’ ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. સંગઠનના પ્રવક્તા જીયંદ બલૂચે દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ નોશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) ના હેડક્વાર્ટર પર કબજો જમાવી દીધો છે. એટલું જ નહીં, બળવાખોરોએ એક જિલ્લા જેલ પર હુમલો કરીને 30 જેટલા કેદીઓને છોડાવ્યા હોવાના અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા હોવાના પણ અહેવાલ છે. હાલમાં આખું બલૂચિસ્તાન છાવણીમાં ફેરવાઈ ગયું છે અને હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button