ટ્રેન ‘હાઇજેક’ કર્યા બાદ બલુચિસ્તાનમાં BLAનો આત્મઘાતી હુમલો: 90 સૈનિકના મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનનાં નુશ્કીમાં સેનાનાં કાફલા પર IED થી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે અને પાકિસ્તાની સેનાનાં 90 સૈનિક માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Also read : ‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ
હુમલાની જવાબદારી BLAએ લીધી

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટના બાદ બલૂચ લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, બલુચિસ્તાનનાં નોશકી જિલ્લામાં આત્મઘાતી હુમલા બાદ ભારે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી અલગતાવાદી સશસ્ત્ર જૂથ, બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. અને તેણે દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.
બે બસને બનાવી નિશાન
બલુચિસ્તાન લિબરેશન આર્મીનાં (BLA) પ્રવક્તા જિયાન બલોચે જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલામાં એક બસને નિશાન બનાવી હતી અને પછી બીજી બસ પર ગોળીબાર કર્યો હતો. કાફલામાં આઠ બસો હતી, જેમાંથી એક બસ હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હુમલા બાદ તરત જ, BLAની ટુકડીએ બસને ઘેરી લીધી હતી અને તેમાં હાજર તમામ સૈનિકોને મારી નાખવામાં આવ્યા હતા. BLAએ દાવો કર્યો હતો કે હુમલામાં કુલ 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
Also read : 154 બંધકો હજુ પણ BLA ના કબજા હેઠળ! પાકિસ્તાની સેનાના દાવા પર BLA નું ચોંકાવનારુ નિવેદન…
સેનાના હુમલામાં પાંચ જવાન શહીદ
પાકિસ્તાની અખબારનાં અહેવાલ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નોશ્કીમાં પાકિસ્તાની સેનાનાં કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. નોશ્કી સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ઝફરઉલ્લાહ સુમાલાનીએ આ ઘટનાને પ્રારંભિક તપાસમાં આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. SHO સુમાલાનીએ જણાવ્યું હતું કે હુમલાના સ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલું વાહન સેનાનાં કાફલા સાથે અથડાવવામાં આવ્યું હતું.