બલૂચિસ્તાનમાં ફરી બબાલઃ વિદ્રોહીઓનો બળવો, હાઈ-વે ‘હાઈજેક’ કર્યા પછી હિંસાના બનાવો

કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 11 માર્ચે ટ્રેન હાઇજેક કર્યા પછી એક બાદ એક આતંકી હુમલા થઈ રહ્યા છે. બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીએ ફરી એક વખત અનેક જિલ્લામાં પાકિસ્તાની સેના પર હુમલા કર્યા હતા.
પાકિસ્તાન સૈન્ય દળની મુખ્ય શિબિર પર હુમલો કરવા સહિત વિદ્રોહીઓએ ગ્વાદર, કેચ અને બોલનમાં પણ એક સાથે હુમલાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત અનેક શહેરનો જોડતા હાઇવે પર પણ કબજો કર્યો હતો.
બલૂચિસ્તાનમાં થઈ રહેલા હુમલાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થય છે. જેમાં હથિયારધારીઓ વિવિધ વિસ્તારને નાકાબંધી કરતાં જોવા મળી રહ્યો છે.
આપણ વાંચો: બલૂચિસ્તાનમાં દુબઈ બનાવવાનું ‘સપનું’! હવે પાકિસ્તાન માટે બન્યું માથાનો દુખાવો…
બલૂચ વિદ્રોહીઓએ કેચ જિલ્લામાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર હાઈવે પર અનેક ટ્રકો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ચાર ટ્રકમાં આગ પણ લગાવી હતી. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટને ચીનની મદદથી વિકસાવવામાં આવી રહ્યું છે. બીએલએ આર્મી સતત પાકિસ્તાન અને ચીનને પડકાર આપી રહ્યું છે.
અહેવાલ મુજબ બલૂચિસ્તાનના ગ્વાદર જિલ્લામાં વિદ્રોહીઓ દ્વારા નાકાબંધી દરમિયાન પાંચ પંજાબીઓની ગોળી મારીને હત્યા કરી હતી. તુર્બત જિલ્લામાં ફાયરિંગ અને વિસ્ફોટના અવાજ સાંભળીને સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, હથિયારધારી વિદ્રોહીઓએ તુર્બત, તાજબાન, પંજગુર અને પસનીમાં સડક જામ કરી હતી. આ ઉપરાંત બોલન, કોલપુર અને મસ્તંગ વિસ્તારમાં જામ કર્યો હતો. પોલીસે મહામુસીબતે હાઇવે ખોલાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચુક્યું હતું.