બલૂચ નેતા મીર યાર બલોચે ડૉ. એસ. જયશંકરને લખ્યો પત્ર: પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ

નવી દિલ્હી: 1948માં પાકિસ્તાની સેનાએ બળજબરીથી બલૂચિસ્તાન પર કબજો મેળવી લીધો હતો. બલૂચ લોકો તેને ગેરકાયદેસર ગણાવતા છેલ્લા 79 વર્ષથી આઝાદીની ચળવળ ચલાવી રહ્યા છે. હવે બલીચિસ્તાનના નેતાએ ભારતની મદદ માંગી છે અને પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
મીર યાર બલોચનો એસ. જયશંકરને પત્ર
1 જાન્યુઆરી, 2026ના રોજ બલૂચિસ્તાનના અગ્રણી નેતા મીર યાર બલોચે ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને ખુલ્લો પત્ર લખ્યો છે. જેને બલૂચ નેતાએ એક્સ પર શેર પણ કર્યો છે. આ પત્રમાં 6 કરોડ બલૂચ નાગરિકો વતી 140 કરોડ ભારતીયોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાથોસાથ ભારત અને બલૂચિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને પાકિસ્તાનના અત્યાચારો સામે લડવા માટે ભારત પાસે મદદની અપીલ કરવામાં આવી છે.
ડૉ. એસ. જયશંકરને લખેલા પત્રમાં મીર યાર બલોચે ભારત અને બલૂચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના નાગરિક, ધાર્મિક અને વ્યાપારિક સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને બલૂચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતા શક્તિપીઠ જેવા પવિત્ર સ્થળને બંને પ્રદેશો વચ્ચેના સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક ગણાવ્યું છે.
બલૂચ લશ્કરને મજબૂત કરવી જરૂરી
પત્રમાં મીર યાર બલોચે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી સાંઠગાંઠ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જો સમયસર બલૂચ લશ્કરને મજબૂત કરવામાં નહીં આવે, તો ચીન ત્યાં પોતાની સેના તૈનાત કરી શકે છે, જે ભવિષ્યમાં ભારત અને બલૂચિસ્તાન બંનેની સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.
બલૂચિસ્તાનનો નાગરિક ભારતની સાથે છે
ઉલ્લેખનીય છે કે, મીર યાર બલોચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અને મોદી સરકારની આતંકવાદ વિરોધી નીતિઓની પ્રશંસા પણ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, બલૂચિસ્તાન છેલ્લા 79 વર્ષથી પાકિસ્તાની શાસન હેઠળ અત્યાચારો સહન કરી રહ્યું છે. ભારતને પાકિસ્તાની સત્તાને જડમૂળથી ઉખેડી નાખવા મીર યાર બલોચે પત્રમાં વિનંતી કરતા જણાવ્યું છે કે, બલૂચિસ્તાનનો દરેક નાગરિક આ લડાઈમાં ભારતની સાથે છે.



