30 વર્ષ પહેલાંના ફ્રોઝન ગર્ભથી બાળકનો જન્મ, અમેરિકાની અનોખી ઘટના

કોલંબસ: મેડીકલ સાયન્સ દિવસેને દિવસે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, અમેરિકામાં તબીબોએ ફર્ટીલીટી સાયન્સમાં એક માઈલસ્ટોન સમાન સફળતા મેળવી છે. 30 વર્ષ પેહેલા ફ્રિઝ કરવામાં આવેલા ગર્ભ(Frozen embryo) માંથી બાળકનો જન્મ થવાથી એક કપલ માતાપિતા બન્યું છે.
શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સના ઓહિયો રાજ્યનું કપલ લિન્ડસે અને ટિમ પિયર્સને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જેમાંથી બાળકનો જન્મ થયો એ ગર્ભ 1990ના દાયકામાં ફ્રિઝ કરવામાં આવ્યું હતું, હવે 30 વર્ષ બાદ તેનાથી એક પરિવારમાં ખુશીઓ આવી છે. આ બાળકનો જન્મ સૌથી વધુ સમય સુધી ફ્રિઝ કરવામાં આવેલા ગર્ભમાંથી થયો છે, જેથી આ બાળકના જન્મને દુર્લભ માનવામાં આવે છે.

કપલે આ રીતે માતાપિતા બનવાનો નિર્ણય કેમ લીધો?
અહેવાલ મુજબ અમેરિકાના ઓહાયો રાજ્યમાં રહેતા લિન્ડસે અને ટિમ પિયર્સ છેલ્લા સાત વર્ષથી બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા, પણ કોઈ કારણોસર લિન્ડસે ગર્ભ ધારણ કરી શકી નહીં. ત્યાર બાદ કપલે ફ્રોઝન એમ્બ્રિયો દત્તક લેવાનો નિર્ણય લીધો.
કોનો હતો 30 વર્ષ જુનો ગર્ભ?
અહેવાલ મુજુબ 1994માં લિન્ડા આર્ચર્ડ નામની મહિલા દ્વારા IVF પદ્ધતિ દ્વારા એમ્બ્રિયો ફ્રિઝ કરવવામાં આવ્યો હતો. લિન્ડા આર્ચર્ડ અને તેના તત્કાલીન પતિએ કુલ ચાર ગર્ભ ફ્રિઝ કરાવ્યા હતા, જેમાંથી એકથી તેમની પુત્રીનો જન્મ થયો, જે હાલ 30 વર્ષની છે.
કોઈ કારણોસર લિન્ડા અને તેના પતિથી અલગ થઈ ગયા; જોકે, લિન્ડાની ઈચ્છા હતી કે તેના ગર્ભમાંથી બાળક જન્મે. તેને એક ક્રિશ્ચિયન એડોપ્શન એજન્સી ન મળી ત્યાં સુધી બાકી બચેલા ગર્ભને ફ્રિઝ રાખ્યા, જેમાંના એકની મદદથી લિન્ડસે અને ટિમના ઘરે પરણું બંધાયું છે. બાળકનું નામ થેડિયસ ડેનિયલ પિયર્સ રાખવામાં આવ્યું છે.
લિન્ડાની ખાસ ઈચ્છા હતી કે તેના ગર્ભને અમેરિકાનું કોકેશિયન-ખ્રિસ્તી દંપતી દત્તક લે, લાંબા સમય રાહ જોયા બાદ તેને લિન્ડસે અને ટિમ મળ્યા.
આ રીતે લિન્ડસે અને ટિમના ઘરે બાળકોનો જન્મ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પણ, માતાપિતા બનવાના વૈકલ્પિક રસ્તા શોધતા અસંખ્ય પરિવારોમાં આશાનું કિરણ છે.
આ પણ વાંચો…નાની અમથી તકલીફમાં ફટ કરતા એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો