મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બબાલઃ વિરોધ પ્રદર્શનોમાં ૧૦નાં મોત
માપુટોઃ મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલા વિરોધ પ્રદર્શનોમાં પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગવાથી ૧૦ લોકોના મોત થયા હતા. તેમજ ડઝનેક ઘાયલ થયા હતા. આ માહિતી બે તબીબી જૂથોએ આપી હતી.
મોઝામ્બિકની મુક્તિ માટેના શાસક મોરચાના ડેનિયલ ચાપોને ૨૪ ઓક્ટોબરે ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ૧૯૭૫માં પોર્ટુગલથી સ્વતંત્ર થયા બાદથી ફ્રેલિમો પાર્ટીના ૪૯ વર્ષનો સમયગાળો લંબાયો છે. ચાપો રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસીનું સ્થાન લેશે. જેઓ બંધારણ અંતર્ગત બે ટર્મ સેવા આપ્યા બાદ રાજીનામું આપી રહ્યા છે.
ફ્રેલિમો પર નિયમિતપણે ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ મૂકાતો રહ્યો છે અને મોઝામ્બિકના સુરક્ષા દળોની અગાઉ પણ ઘાતક બળ સાથે વિરોધ પ્રદર્શનોને દબાવવા બદલ ટીકા કરવામાં આવી છે.
આપણ વાંચો: મોઝામ્બિકના દરિયાકાંઠે મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 91 લોકોનાં મોત
વિરોધ પક્ષોએ ચૂંટણીના દિવસે છેતરપિંડીનો દાવો કર્યો હતો. ત્યાર બાદ યુરોપિયન યુનિયનના નિરીક્ષકોએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મત ગણતરીમાં ગેરરીતિઓ હતી અને કેટલાક પરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
મોઝામ્બિકના મેડિકલ એસોસિએશન અને મોઝામ્બિક ઓર્ડર ઓફ ડોક્ટર્સે બુધવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ૧૮ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોના ગોળી વાગવાથી મોત થયા અને ૬૩ લોકો ગોળીબારમાં ઘાયલ થયા હતા.
સ્થાનિક મીડિયાએ ઓર્ડર ઓફ ડોક્ટર્સના પ્રમુખ ગિલ્બર્ટો મનહિસાને ટાંકીને જણાવ્યું કે મોટાભાગના ગોળીબારમાં ખાસ કરીને તે ઘટનાઓ જેમાં મોત નીપજ્યા હતા, જેમાં પોલીસનો ઇરાદો મારી નાખવા માટે ગોળી ચલાવવાનો હતો.