અઝરબૈજાન વિમાન દુર્ઘટનાઃ મોસ્કોને જવાબદાર ઠેરવતા નિષ્ણાતો
બાકુઃ નાતાલના દિવસે અઝરબૈજાન એરલાઇન્સની એરક્રાફ્ટ ફ્લાઇટ ૮૪૩૨ દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. આ દુર્ઘટના રશિયન વાયુ સંરક્ષણ પ્રણાલીની આગને કારણે ઘટી હોવાનો ઉડ્ડયન નિષ્ણાંતોએ દાવો કર્યો છે. જેમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૯ લોકો ઘાયલ થયા હતા.
અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર ૧૯૦ વિમાન બુધવારે અઝરબૈજાનની રાજધાની બકુથી ઉત્તરીય કાકેશસમાં રશિયન શહેર ગ્રોજની તરફ જઇ રહ્યું હતું. પરંતુ કોઇ અસ્પષ્ટ કારણોસર તેમનો માર્ગ બદલવામાં આવ્યો અને કેસ્પિયન સમુદ્રના પૂર્વ ભાગ તરફ ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તૌમાં ઉતરવાનો પ્રયાસ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અઝરબૈજાને ગુરૂવારે દેશભરમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખીને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે શોક પાળ્યો હતો.
આપણ વાંચો: બર્ડ હિટે લીધો 42નો ભોગ, અઝરબૈજાન પ્લેન સાથે પક્ષી અથડાતાં ફાટી ઑક્સિજન ટેન્ક
અઝરબૈજાન, કઝાકિસ્તાન અને રશિયાના અધિકારીઓ દુર્ઘટનાના સંભવિત કારણ વિશે કંઇ જણાવી રહ્યા નથી, પરંતુ અઝરબૈજાનના સાંસદે આ માટે મોસ્કોને દોષી ઠેરવ્યું હતું. રસીમ મુસાબેકોવે અઝરબૈજાનની મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે વિમાન ગ્રોજની ઉપર આકાશમાં હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. તેમણે રશિયાને સત્તાવાર રીતે માફી માંગવા કહ્યું હતું.
દુર્ઘટનાની સત્તાવાર તપાસ શરૂ થતાની સાથે કેટલાક ઉડ્ડયન નિષ્ણાંતોએ જણાવ્યું કે વિમાનના પાછળના ભાગમાં જોવા મળતા છિદ્ર સૂચવે છે કે યુક્રેનિયન ડ્રોન હુમલાથી બચવા માટે રશિયન વાયુ રક્ષા પ્રણાલીની ઝપટે ચઢી ગયું હશે.
આપણ વાંચો: અઝરબૈજાને પાકિસ્તાન સાથે કર્યો મોટો કરાર, ભારત સરકારના આ પગલાથી લાગ્યા હતા મરચા
વિશ્વના એરફિલ્ડ અને એરપોર્ટ પર ખતરાનું નિરીક્ષણ કરતાં ઓપીએસગ્રુપના માર્ક ઝી જણાવે છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ટુકડાઓની તસવીરોના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે તે લગભગ ચોક્કસપણે સપાટીથી હવામાં હુમલો કરનારી મિસાઇલ અથવા એસએએમ સાથે અથડાયું હતું. તેમણે કહ્યું કે આમાં હજુ ઘણું બધું તપાસવાનું બાકી છે. પરંતુ ઉચ્ચ સ્તરે અમે માનીએ છીએ કે વિમાન પર એસએએમ હુમલો થવાની સંભાવના ૯૦-૯૯ ટકા છે.