બર્ડ હિટે લીધો 42નો ભોગ, અઝરબૈજાન પ્લેન સાથે પક્ષી અથડાતાં ફાટી ઑક્સિજન ટેન્ક
નવી દિલ્હીઃ બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન તૂટી પડ્યું હતું. અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર E190AR પ્લેન બાકૂથી રશિયાના ચેચન્યા જતું હતું. વિમાનમાં 67 લોકો સવાર હતા, જેમાંથી 42 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 25 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. જે પૈકી અમુકની હાલત ગંભીર છે.
સ્થાનિક અધિકારીઓ અને ઘટના સ્થળેથી મળેલી વીડિયો બાદ, કૈસ્પિયન સાગર કિનારે કઝાકિસ્તાનના અક્તૌ શહેર નજીક બનેલી દુર્ઘટનામાં બચાવકર્મીઓ દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.સ્થાનીક મીડિયાએ ઘટનાસ્થળેથી જીવતા રહેલા લોકોના ફૂટેજ જાહેર કર્યા છે. એક મહિલા આઘાતમાં જોવા મળી રહી છે અને તેને સામાન્ય ઈજા થઈ છે. તેને વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી અને દર્દથી કણસતી જોવા મળી હતી. ક્લિપમાં એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે, જે લંગડાતો ચાલતો હતો અને તેને પણ ખાસ મોટી ઈજા થઈ નથી. ઘટના સ્થળના બીજા ધૂંધળા વીડિયોમાં દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના મૃતદેહ જોવા મળ્યા હતા.
Also read: અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શું છે વિવાદ?
દુર્ઘટના બાદ પ્લેન તરત બે ટુકડામાં વહેંચાઈ જતા કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બહાર આવ્યા હતા. તેમના ચહેરા પર દહેશત જોવા મળતી હતી. ફાયર અને રેસ્ક્યૂ ટીમ મોર્ચો સંભાળ્યો અને વિમાનમાં લાગેલી આગને બુઝાવી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પ્રારંભિક તપાસનો ઉલ્લેખ કરીને સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું, આ દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે થઈ હતી. પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, વિમાનના એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. જેના કારણે ઑક્સિજન સિલિન્ડર ફાટ્યું હતું. વિમાન તૂટી પડ્યું તે પહેલા અનેક મુસાફરો બેભાન થઈ ગયા હતા.પ્લેન ક્રેશના અનેક વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં વિમાન હવામાં આમ તેમ થતું અને ઝડપથી નીચે આવતું જોવા મળે છે. થોડી સેકંડમાં જ તે જમીન સાથે અથડાય છે અને બાદમાં ભયંકર આગ લાગે છે.
અન્ય એક વીડિયોમાં જમીન સાથે ટકરાયા બાદ વિમાનમાં લાગેલી આગને નિયંત્રણમાં લેવામાં આવતી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન કેટલાક મુસાફરો વિમાનથી બહાર નીકળતાં જોવા મળી રહ્યા છે, જ્યારે રેસ્ક્યૂ ટીમ વિમાનમાં ફસાયેલા અન્ય મુસાફરોને પણ કાઢતી જોવા મળી રહી છે. મુસાફરોના ચહેરા પર ડર સ્પષ્ટ જોઈ શકાય છે.
ત્રીજા વીડિયોમાં તૂટી પડતાં પહેલાં વિમાન ફરી એકવાર ઊંચાઈ પર જવાની કોશિશ કરતું નજરે પડી રહ્યું છે. પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ જાય છે અને વધારે નીચે આવી જાય છે. જમીન સાથે ટકરાયા બાદ તેમાં આગ લાગી જાય છે. વિમાનને જીપીએસ જામિંગની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હોવાનું કહેવાય છે.