ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી આયાતુલ્લાહ ખામેની પહેલી વાર જાહેરમાં દેખાયા

તેહરાન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ થયો હતો. ઇઝરાયલ સાથે સંઘર્ષ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) કોઈ ગુપ્ત સલામત જગ્યાએ છુપાઈ ગયા હતાં, સંઘર્ષ બાદ ખામેની શનિવારે પહેલી વાર જાહેરમાં દેખાયા હતાં. રાજધાની તેહરાનમાં આયોજિત શિયા મુસ્લિમોના સૌથી મહત્વપૂર્ણ દિવસ આશુરાની ઉજવણીમાં હાજરી આપી હતી.
ઈરાનની સરકારી ટીવી ચેનલ પર આશુરાની ઉજવણીનો એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં ખામેની પરંપરાગત કાળા કપડાં પહેરેલા જોવા મળે છે. વિડીયોમાં જોવા મળે છે કે તેઓ એક મોટા હોલમાં પ્રવેશે છે, જ્યાં આશુરા પ્રસંગે લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. સામાન્ય રીતે આ હોલનો ઉપયોગ સરકારી અને ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે થાય છે. ઉજવણી માટે એકઠા થયેલા લોકો નારેબાજી કરી રહ્યા હતાં અને ખામેનીના પ્રવેશ પર ઉત્સાહમાં આવી જાય છે.
13 જૂને ઇઝરાયલે ઈરાનના મિલીટરી અને ન્યુક્લિયર સ્થળો પર હુમલા કર્યા બાદથી ખામેની પહેલીવાર જાહેરમાં દેખાયા હતાં. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે પ્રદેશમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી પ્રોટોકોલના ભાગ રૂપે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના ભાષણોના પ્રી-રેકોર્ડેડ વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને ઠેકાણા અંગે ઘણી અટકળો શરુ થઇ હતી, હવે તમામ અટકળોનો અંત આવ્યો છે.
આ પણ વાંચો…ઈઝરાયલે ઈરાન પર કરેલા વિનાશક હુમલાનો નવો Video; ભયાનક દ્રશ્ય જોઇને કંપી ઉઠશો