‘અમેરિકાના નેતા અસંસ્કારી અને ઘમંડી…’; પરમાણુ કરાર અંગે ખામેનીનો આકરો જવાબ

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત પરમાણુ કરાર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય (US-Iran nuclear deal) રહ્યો છે. ઈરાન સાથે પરમાણુ કરાર કરવો એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રાથમિકતાઓમાંની એક છે. એવામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની(Ayatollah Ali Khamene)એ મહત્વનું નિવેદન આપ્યું છે.
ખામેનીએ બુધવારે વાટાઘાટો દરમિયાન અમેરિકાએ રજુ કરેલા પ્રારંભિક પ્રસ્તાવની ટીકા કરી હતી. જો કે તેમણે અમેરિકા સાથે કરાર કરવાના વિચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યો ન હતો, તેમણે આ કરાર મુદ્દે ચાલી રહેલી વાટાઘાટો અટકાવવા વિશે કંઈ કહ્યું ન હતું.
આ પણ વાંચો: Iran ના સુપ્રીમ લીડર ખામેનીની ચેતવણી, જરૂર પડશે તો ઇઝરાયલ પર ફરી હુમલો કરીશું
પરમાણુ કરાર માટેનો યુએસનો પ્રસ્તાવ શનિવારે ઓમાન દ્વારા ઈરાન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, ઓમાને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય પૂર્વ રાજદૂત સ્ટીવ વિટકોફ વચ્ચેની વાટાઘાટોમાં મધ્યસ્થી કરી હતી.
આ કરાર કેમ મહત્વનો?
ટ્રમ્પ અને સ્ટીવ વિટકોફની આ કરાર કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. જો ઈરાન આ કરાર માટે તૈયાર થાય તો, ઈરાને તેના યુરેનિયમ એનરિચમેન્ટ મર્યાદિત અથવા સમાપ્ત કરવું પડશે, જેના બદલામાં અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક કઠોર આર્થિક પ્રતિબંધોને દૂર કરી શકે છે, જો કોઈ કરાર ન થાય, તો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી શકે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે પાંચ રાઉન્ડની વાટાઘાટો પછી પણ અમેરિકાના પ્રસ્તાવની વિગતો સ્પષ્ટ થઇ નથી.
ખામેનીએ અમેરિકાને આપ્યો કડક જવાબ:
ઈરાનના તમામ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય લેનારા સર્વોચ વડા ખામેનીએ કહ્યું કે યુ.એસ.નો આ પ્રસ્તાવ “આપણા રાષ્ટ્રની આત્મનિર્ભરતામાં વિશ્વાસ અને દેશનના નારા ‘આપણે કરી શકીએ છીએ'(We can) ના સિદ્ધાંતના વિરોધમાં છે. યુરેનિયમ એનરિચમેન્ટએ આપણા ન્યુક્લિયર પ્રોગ્રામ માટે ચાવીરૂપ છે અને આપણા દુશ્મનોએ એનરિચમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”
‘અમેરિકાના નેતાઓ અસંસ્કારી અને ઘમંડી’
તેમણે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું, “અમેરિકનોએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તે આપણા હિતોની 100% વિરુદ્ધમાં છે… અમેરિકાના અસંસ્કારી અને ઘમંડી નેતાઓ વારંવાર માંગ કરે છે કે આપણે ન્યુક્લિયર પ્રોગ્રામ ન ચલાવી શકીએ. ઈરાન વધુ યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકે નહીં તે નક્કી કરનારા તમે કોણ છો?”
ઈરાન અને અમેરિકા આમને-સામને:
ઈરાને શાંતિપૂર્ણ હેતુઓ માટે ન્યુક્લિયર પ્રોગ્રામ ચલવવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે પશ્ચિમી દેશો સતત આરોપ લગાવી રહ્યા છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે યુરેનિયમ એનરિચમેન્ટ કરી રહ્યું છે, ઈરાન આવા તમામ દાવા નકારી રહ્યું છે.
જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ ટ્રમ્પે ઈરાન સામે “મેક્સિમમ પ્રેસર”ની નીતિ અપનાવી છે. આ નીતિમાં જેમાં પ્રતિબંધો કડક કરવા અને જો વાટાઘાટોમાં કોઈ કરાર ન થાય તો ઈરાન પર બોમ્બમારો કરવાની ધમકી આપવાનો સમાવેશ થાય છે.