“ડ્રગ્સ આપીને મારી સાથે યૌન શોષણ થયું”, ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદે લગાવ્યો ચોંકાવનારો આરોપ

ક્વીન્સલેન્ડ: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ(Queensland)ના મહિલા સાંસદ બ્રિટની લૌગા(Brittany Lauga)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, બ્રિટની લૌગાએ કહ્યું કે ગત વિકેન્ડમાં સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ ટાઉન યેપ્પૂન(Yeppoon)માં તેમને ડ્રગ્સ આપી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. બ્રિટની લૌગાએ સોશિયલ મીડિયા નિવેદન પોસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે સાંસદે 28 એપ્રિલની વહેલી સવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.
બ્રિટની લૌગાએ Instagram પર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે ” રવિવારની વહેલી સવારે ડ્રગ્સ અને યૌન શોષણ થયા બાદ હું યેપ્પૂન પોલીસ સ્ટેશન અને યેપ્પૂન હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલમાં થયેલા ટેસ્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે મારા શરીરમાં ડ્રગ્સ મળી આવ્યું છે એ મે લીધું ન હતું. આ નશીલા પદાર્થની મારા પર નોંધપાત્ર અસર થઈ છે.”
બ્રિટની લૌગાએ વધુમાં કહ્યું કે આખા અઠવાડિયા દરમિયાન, શહેરની અન્ય ઘણી સ્ત્રીઓએ તેમનો સંપર્ક કર્યો હતો જેમની સાથે સમાન પ્રકારની ઘટના બની હતી. તેમણે લખ્યું કે “આવી ઘટના કોઈની સાથે પણ થઈ શકે છે અને ચોંકાવનારી વાત એ છે કે, તે આપણામાંના ઘણા સાથે થાય છે. ઘણી સ્ત્રીઓએ મારો સંપર્ક કર્યો છે, જેમણે આપણા શહેરમાં આવી જ ઘટનાનો સામનો કર્યો હતો, આ બધું યોગ્ય નથી. આપણા શહેરમા લોકો સામાજ જીવનનો આનંદ હુમલાખોરોના ભય વગર માણી શકવા જોઈએ.”
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઘટના પછી શારીરિક અને ભાવનાત્મક રીતે સાજા થવા માટે મને સમય લાગશે, મારા સમર્થન માટે આગળ આવેલા દરેકનો આભાર.
ક્વીન્સલેન્ડ પોલીસ સર્વિસે પુષ્ટિ કરી છે કે તે યપ્પૂનમાં બનેલી જાતીય હુમલાની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે.
37 વર્ષીય બ્રિટની લૌગા વ્યવસાયે ટાઉન પ્લાનર છે જેઓ લગભગ એક દાયકાથી સંસદમાં છે, 2015માં કેપેલની સીટ પર પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા.