ઇન્ટરનેશનલ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાની હત્યા; કચરાના ઢગલામાંથી મળી આવી લાશ

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ હૈદરાબાદની આ 36 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ રસ્તાની બાજુમાં કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. મહિલાની હત્યા તેના પતિએ કરી હોવાની આશંકા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં ન હોવાનું જાણવા મળે છે. આ બનાવથી વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. મહિલાની ઓળખ ચૈતન્યા માધવી તરીકે થઈ છે.

સ્થાનિક મીડિયાના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય મહિલા ચૈતન્યા માધવી છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે મૂળ હૈદરાબાદની છે. શનિવારે આ મહિલાનો મૃતદેહ રસ્તાની બાજુના કચરાના ઢગમાંથી મળી આવ્યો હતો. ચૈતન્યા માધવીના પતિ અશોક રાજ 5 માર્ચે તેમના 5 વર્ષના પુત્ર સાથે ભારત આવ્યા હતા. અહેવાલ છે કે ચૈતન્યા માધવી છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.


ચૈતન્ય માધવીના પતિ અશોક રાજે ઓસ્ટ્રેલિયામાં તેના ઘરના પડોશીઓ અને નજીકના લોકો પાસેથી તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અશોકે પોલીસ સાથે ફોન પર ચર્ચા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે પોલીસને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પોલીસને આ હત્યા અંગે કેટલાક પુરાવા પણ મળ્યા છે. પોલીસે વ્યક્ત કરેલી શક્યતા મુજબ આરોપી ઓસ્ટ્રેલિયાથી ફરાર થઈ ગયો છે. પોલીસે ચૈતન્ય માધવીના નજીકના વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી છે.


દરમિયાન હૈદરાબાદના ઉપ્પલના વિધાવ સભ્ય ભંડારી લક્ષ્મા રેડ્ડીએ કહ્યું હતું કે મૃતક મહિલા તેમના વિસ્તારની છે અને તેઓ મહિલાના પરિવારને પણ મળ્યા છે. રેડ્ડીએ કહ્યું હતું કે મહિલાના માતા-પિતાની વિનંતી પર તેમણે મહિલાના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. વિધાન સભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ જાણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેની પુત્રીના પતિ (જમાઈ)એ તેની હત્યા કર્યાની કબૂલાત કરી છે.


આ હત્યા અંગે જે માહિતી મળી છે તે મુજબ પતિ-પત્ની આઇટી પ્રોફેશનલ હતા અને ઑસ્ટ્રેલિયામાં સારી જોબ કરતા હતા. તેમનો ચાર વર્ષનો પુત્ર હતો. પરિવારમાં ધનદોલત, સુખ, એશોઆરામ, પુત્ર બધુ જ હતું, પણ શાંતિ નહોતી. પતિપત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. એક દિવસ ઝઘડો બહુ જ વધી ગયો અને ગુસ્સામાં આવીને પતિએ પત્નીનું ગળુ દબાવી મારી નાખી અને મૃતદેહને ડસ્ટબીનમાં ભરી ઘરથી 82 કિમી. દૂર જંગલમાં ફેંકી દીધો અને પુત્રને લઇને ભારત આવી ગયો. અહીં આવ્યા બાદ તે સીધો જ તેની પત્નીના માતા-પિતાને મળવા ગયો અને કહ્યું કે તેણે તેમની પુત્રીની હત્યા કરી છે. તેણે પુત્રનો કબજો પણ નાના-નાનીને સોંપી દીધો.
હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button