ઇન્ટરનેશનલ

Kyrgyzstan violence: કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત


Bishkek: ગત રાત્રે કિર્ગિસ્તાન(Kyrgyzstan)ની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ(Bishkek violence)ની ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ(Pakistani Students)નું કહેવું છે કે તેમને તેમના દેશના દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. પાકિસ્તાન ઉપરાંત ઘટના દેશના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ફસાયા છે. કિર્ગિસ્તાનમાં ભારતના દુતાવસે પણ એડવાઇઝરી જાહેર કરી છે.

કિર્ગીઝ મીડિયાના અહેવાલો અનુસાર, બિશ્કેકમાં મેડિકલ એજ્યુકેશન સંસ્થાઓની કેટલીક હોસ્ટેલમાં હુમલો થયો છે. પાકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓના ખાનગી રહેઠાણો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ રહે છે. કિર્ગીઝ સ્ટુડન્ટ્સ દ્વારા પાકિસ્તાનની કેટલીક ફીમેલ સ્ટુડન્ટ્સને હેરાન કરવાના કિસ્સા પણ જાણમાં આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે X પરની એક પોસ્ટમાં પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલાની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે લખ્યું, ‘કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાથી હું ચિંતિત છું. મેં પાકિસ્તાની રાજદૂતને જરૂરી મદદ અને સહાય પૂરી પાડવા સૂચના આપી છે. મારી ઓફિસ પણ દૂતાવાસના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.’

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત હસન ઝૈગુમે શનિવારે સવારે ટ્વિટર પર લખ્યું, “બિશ્કેકમાં છાત્રાલયો પર ટોળાએ કરેલી હિંસાને ધ્યાનમાં રાખીને, અમે તમામ પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપીએ છીએ.”

કિર્ગિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણનો વીડિયો ઇન્ટરનેટ પર શેર થયા પછી, આ મુદ્દો ઉગ્ર બન્યો છે અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

ભારતીય દૂતાવાસે કિર્ગિસ્તામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમના ઘરની અંદર રહેવાની અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે.”

વિદેશ પ્રધાન એસ જયશંકરે X પર લખ્યું, ‘હું બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું, કહેવામાં આવી રહ્યું છે કે હવે બધું શાંત છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.”

કિર્ગીઝ રાજધાનીમાં વિદ્યાર્થી જૂથો વચ્ચે આ હિંસાનું કારણ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ ટ્વિટર પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં રાત્રે ભીડને રસ્તા પર ચાલતા અને દોડતા જોઈ શકાય છે.

પાકિસ્તાની વિદેશ વિભાગને ટેગ કરીને પીટીઆઈએ એક પોસ્ટમાં લખ્યું છે તમામ પાકિસ્તાની વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button