અસીમ મુનીરે ભારત વિરુદ્ધ કર્યું ઉશ્કેરણીજનક નિવેદન, પોતાની સેના માટે શું કહ્યું?

ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાનને હંફાવ્યા બાદ ભારતે ‘ઑપરેશન સિંદૂર’ અટકાવ્યું હતું. આમ છતાં યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને વિજયની ઉજવણી કરી હતી અને પાકિસ્તાન સરકારે સેના પ્રમુખ આસિમ મુનિરને ફિલ્ડ માર્શલ બનાવ્યા હતા ત્યાર બાદ પણ પાકિસ્તાન દ્વારા અનેક વખત ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા ધમકી પણ આપી હતી, જ્યારે પોતાની સેના માટે દાવા કર્યા હતા.
મુનીર ધાર્મિક લાગણીનો લીધો સહારો
પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાના સન્માનમાં આયોજિત એક ભોજન સમારંભમાં મુનીરે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરીને ભારતને ધમકી આપી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ અસીમ મુનીરે મે મહિનામાં ભારત સાથે થયેલા ચાર દિવસના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાન માટે ખોટા વિજયનો દાવો કર્યો છે. અસીમ મુનીરે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતીય હુમલાઓનો મજબૂત પ્રતિકાર કર્યો હતો અને યોગ્ય જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો
યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો તો કડક જવાબ આપવામાં આવશે
મુનીરે દાવો કર્યો છે ભારત સાથેના યુદ્ધ દરમિયાન અલ્લાહએ આપણને માથું ઊંચું રાખવામાં મદદ કરી હતી. આ કારણોસર જ્યારે મુસલમાન પોતાના અલ્લાહ પર વિશ્વાસ કરે છે તો દુશ્મન પર ફેંકેલી માટી પણ મિસાઈલ બની જાય છે.
મુનીરે આગળ જણાવ્યું કે અમે અલ્લાહના આદેશથી પોતાના કર્તવ્યનું પાલન કરીએ છીએ અને અલ્લાહની મદદથી પાકિસ્તાનને પોતાના દુશ્મનનો સામનો કર્યો છે. પાકિસ્તાની સેના અલ્લાહની ફોજ છે અને અમારા સૈનિકો અલ્લાહના નામે દુશ્મન સાથે લડે છે. જો ફરીથી કોઈએ પાકિસ્તાન પર યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો છે, તો તેનો કડક જવાબ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા બે દિવસના પ્રવાસે પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા, જેનો હેતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાનો છે. આ મુલાકાત દરમિયાન, મુનીરે જોર્ડન સાથે પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે લશ્કરી સહયોગ વધારવા અને શાંતિપૂર્ણ ક્ષેત્રના પરસ્પર વિઝનને સંયુક્ત રીતે સાકાર કરવા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી છે.



