અમેરિકામાં અસીમ મુનીરની ‘હિંમત’ વધી, કહ્યું અમે ડૂબ્યા તો અડધી દુનિયા…
પાક સેના પ્રમુખ મુનીર અમેરિકામાં રાજકીય અને લશ્કરી નેતાઓને મળ્યા

વોશિંગ્ટન/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી આતંકવાદીઓ વિરુદ્ધ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ મુદ્દે અમેરિકાની મહત્ત્વની ભૂમિકા હોવાના દાવો કરવામાં આવ્યા પછી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે.
યુએસ પહોંચેલા અસીમ મુનીરે ધમકીના સૂરમાં કહ્યું છે કે ભવિષ્યમાં ભારત સાથેના સંઘર્ષને કારણે જો તેમના દેશને ખતરો ઊભો થયો તો સમગ્ર ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન એક પરમાણુ સમૃદ્ધ રાષ્ટ્ર છે અને જો પોતાના અસ્તિત્વને ખતરો થયો તો અમે તો ડૂબીશું પણ અડધી દુનિયાને ડૂબાડીશું.

પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ બાદ બીજી વખત અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. તેમની આ યાત્રા દરમિયાન મુનીર અમેરિકાના ટોચના રાજકીય અને લશ્કરી નેતાઓને મળ્યા હતા. આ જાણકારી સેનાએ આપી હતી.
સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે સેના પ્રમુખ(સીઓએએસ) અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. નિવેદન અનુસાર આર્મી ચીફે વરિષ્ઠ રાજકીય અને લશ્કરી નેતૃત્વની સાથે-સાથે પાકિસ્તાની પ્રવાસી સમુદાયના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી હતી. અમેરિકામાં તેમના પ્રવાસ વિશે કોઇ વિગતો જાહેર કરવામાં આવી ન હતી તેમ જ તેઓ ક્યારે પહોંચ્યા તે પણ સ્પષ્ટ નથી.
ટામ્પામાં મુનીરે યુએસ સેન્ટ્રલ કમાન્ડ(સેન્ટકોમ)ના વિદાયમાન કમાન્ડર જનરલ માઇકલ ઇ. કુરિલ્લાના નિવૃતિ સમારોહ અને એડમિરલ બ્રેડ કૂપર દ્વારા કમાન્ડ સંભાળવા નિમિત્તે યોજાયેલા કમાન્ડ પરિવર્તન સમારોહમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો…ટ્રમ્પને શું જરૂર પડી પાકિસ્તાની આર્મી ચીફ સાથે લંચ લેવાની ? ભારતે સાબદા રહેવું પડશે…

તેઓ જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેનને પણ મળ્યા હતા. જ્યાં પરસ્પર વ્યાવસાયિક હિતના મુદ્દે ચર્ચા થઇ હતી. તેમણે જનરલ કેનને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ પ્રસંગે મુનીરે મિત્ર દેશોના સંરક્ષણ વડાઓ સાથે વાતચીત કરી હતી.
અત્રે નોંધનીય છે કે જૂનમાં મુનીર અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક ખાનગી લંચમાં હાજરી આપી હતી. પાક સેના પ્રમુખ અસીમ મુનીરની જૂન બાદ આ બીજી અમેરિકાની યાત્રા છે.
આ પણ વાંચો…ટ્રમ્પે જ ‘યુદ્ધવિરામ’ કરાવ્યું હતું! યુએસ મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું નિવેદન…