પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા આસિફ અલી ઝરદારી, દેશમાં મિસ્ટર 10% તરીકે છે બદનામ
આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત શપથ લેશે. તેમને બંને ગૃહોમાં બહુમતી મળી અને ત્રણ પ્રાંતોમાં પણ ભારે બહુમતી મળી હતી. તેમણે ઈમરાન ખાનના ઉમેદવાર મહેમૂદ ખાન અચકઝાઈને હરાવ્યા હતા. ઝરદારીને 255 વોટ મળ્યા, જ્યારે અચકઝાઈને માત્ર 119 વોટ મળ્યા હતા.
ઉલ્લેખનિય છે કે ઝરદારી વર્ષ 2008માં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઝરદારી PML-N અને PPPના સંયુક્ત ઉમેદવાર
આસિફ અલી ઝરદારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી હતી અને સરળતાથી જીત હાંસલ કરી હતી. તેમણે સંસદના બંને ગૃહો અને દેશના ચારમાંથી ત્રણ પ્રાંતની વિધાનસભાઓમાં બહુમતી મેળવી હતી. આસિફ અલી ઝરદારી કુલ 255 વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે તેમના હરીફ મહમૂદ ખાન અચકઝાઈને માત્ર 119 વોટ મળ્યા હતા. નવાઝની પાર્ટી PML-N અને બિલાવલની પાર્ટી PPPએ સંયુક્ત રીતે ઝરદારીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે, ઈમરાન તરફી SIC પાર્ટીએ અચકઝાઈને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા.
બીજી વખત બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ
આસિફ અલી ઝરદારી બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે. અગાઉ, 2008 થી 2013 વચ્ચે, તેઓ પાકિસ્તાનના 11માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપતિ છે જેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાયા હતા અને સફળતાપૂર્વક તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી આગામી રાષ્ટ્રપતિને હવાલો સોંપ્યો હતો. તેમણે બેનઝીર ભુટ્ટોની સરકારમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. જો કે સરકાર પડ્યા બાદ તેમના પર ઘણા ગંભીર આરોપો લાગ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે આસિફ અલી ઝરદારી?
આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ અને PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના પિતા છે. ઝરદારીને પાકિસ્તાનમાં મિસ્ટર 10% કહેવામાં આવે છે. કારણ કે બેનઝીરની સરકાર દરમિયાન તેઓ કોઈપણ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા કે સરકાર પાસેથી લોન માટે મંજુરી મેળવવા માટે 10% કમિશનની માંગ કરતા હતા.
ઝરદારીએ ભ્રષ્ટાચાર, બેંક ફ્રોડ, અપહરણ અને હત્યાના આરોપમાં લગભગ સાડા આઠ વર્ષ જેલમાં વિતાવ્યા છે. બેનઝીરે પોતાની રાજકીય વસિયતમાં ઝરદારીને પાર્ટીના નેતા તરીકે તેમના અનુગામી બનાવ્યા હતા.